- નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો
- નોવેલ સેન્દ્રિય ખાતરના અલગ-અલગ 7 દેશોમાં લેવાયા પેટન્ટ
- ભારતની 28 અને દ. આફ્રિકાની એક કંપની સાથે કર્યા ટેકનોલોજી ટ્રાન્સફર કરાર
નવસારી: બાગાયતી પાકોમાં કેળાની ખેતી ખેડૂતોને સારી આવક રળી આપે છે. પરંતુ કેળા થયા બાદ તેના ભારી ભરખમ થડ, જે નકામા પડે છે, તેને ફેંકી દેવામાં આવતા હતા. આ નકામા પડતા કેળાના થડમાંથી મુલ્ય વર્ધન થકી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા મંથનમાંથી સજીવ ખેતીમાં વરદાનરૂપ કહી શકાય, એવું નોવેલ સેન્દ્રિય ખાતર ઉદ્દભવ્યું અને આજે ભારત જ નહીં પણ વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતા દર્શાવી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ અલગ-અલગ 7 દેશોમાં પણ પેટન્ટ મેળવી કૃષિ યુનિવર્સિટીને ગૌરવવંતી કરી છે.
કેળનાં થડમાંથી મળે છે પોટેશિયમ અને આર્યનથી ભરપૂર પાણી
ફેંકી દેવાતા કેળાના નકામા થડને પ્રથમ બે ભાગમાં વહેંચી એના પડ કાઢીને તેમાંથી મશીન મારફતે રેસા છૂટા કરવામાં આવે છે. બાદમાં તેના નકામા કચરામાંથી પ્રેશર ટેકનીકથી પાણી છૂટુ પાડવામાં આવે છે. પોટેશિયમ અને આર્યનથી ભરપૂર પાણીમાં વિવિધ તત્વોને ઉમેરીને બોઇલર મશીનમાં ગરમ કરવામાં આવે છે અને તૈયાર થયેલા નોવેલને મોટા પ્લાસ્ટિકના પીપમાં ભર્યા બાદ, 1-1 લીટરની પ્લાસ્ટિક બોટલોમા તેને ભરીને આકર્ષક લેબલિંગ કરીને ખેડૂતો સુધી પહોંચાડાય છે. સાથે જ નોવેલનો અલગ-અલગ પાકમાં કેટલો છાંટકાવ કરવો એના વિશેની માહિતી વૈજ્ઞાનિકો ખેડૂત સુધી પહોંચાડવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. નોવેલના ઉપયોગ થકી પાકમાં 15 થી 20 ટકાની વૃદ્ધિ જોવા મળી છે સાથે જ ઓર્ગેનિક હોવાથી માનવ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.
કીટક અને રોગો સામે પણ અસરકારક છે નોવેલ સેન્દ્રિય ખાતર
કેળાના થડમાંથી બનેલા નોવેલ સેન્દ્રિય ખાતરને મળેલી સફળતા બાદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પાકમાં થતી કીટકો, ઇયળો અને રોગોને અટકાવવા માટે પણ નોવેલમાં કુદરતી રીતે મળતા વિવિધ તત્વોનો અર્ક ભેળવીને નોવેલ પ્લસ અને નોવેલ પ્રાઈમ સેન્દ્રિય ખાતર તૈયાર કરવામાં આવ્યા છે. જેના થકી કીટક નાશક અને ફૂગ નાશક તરીકે પણ નોવેલ બજારમાં નામના મેળવી રહ્યું છે. જેને જોતા ભારતની 28 કંપનીઓ અને દક્ષિણ આફ્રિકાના બોસ્વાનાની કંપનીએ યુનિવર્સિટી સાથે ટેકનોલોજી ટ્રાન્સફર હેઠળ કરાર કરી વ્યાપારિક ધોરણે તેનું ઉત્પાદન શરૂ કર્યું છે.