નવસારી: ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુચક્રમાં મોટા બદલાવ જોવા મળી રહ્યા છે. જેના કારણે ચાલુ વર્ષે ખેડૂતોએ કમોસમી વરસાદનો સામનો કર્યો છે, જેને કારણે મોટા ભાગના પાકોમાં ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
નવસારી જિલ્લો ચીકુના ઉત્પાદન માટે સમગ્ર રાજ્ય તેમજ દેશ-વિદેશમાં જાણીતો છે. અમલસાડી ચીકુની માંગ વિશેષ રહે છે. પરંતુ કોરના વાઈરસની મહામારીને કારણે લોકડાઉન હોવાને કારણે ટ્રાન્સપોર્ટ બંધ છે. જે કારણે ચીકુના પાકને અન્ય રાજ્યોમાં પહોંચાડવાની વ્યવસ્થા અટકી પડી છે. ચીકુ પાકીને જમીન પર પડતા મચ્છરોના ઉપદ્રવ સાથે માખીમાં પણ વધારો થઈ રહ્યો છે. ફળ માખી વધતા કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
કોરના વાઈરસના ફેલાવાને રોકવા માટે જાહેર કરાયેલા લોકડાઉનને કારણે મજૂરો મળતા નથી. જેને કારણે ચીકુ ઝાડ પર જ પાકવા માંડ્યા છે. પાકેલા ચીકુ ઝાડ પરથી નીચે પડી રહ્યા છે અને નીચે પડતા ચીકુ પાકા હોવાને કારણે ફાટી જાય છે. વાડીઓમાં મોટા પ્રમાણમાં પડેલા ચીકુ સડી જવાને કારણે તેના પર મચ્છરો અને અન્ય જીવતોનો ઉપદ્રવ વધ્યો છે.
ગણદેવીના ગડત ગામના ખેડૂત કેતન દેસાઈના જણાવ્યાનુસાર, કોરનાને કારણે લોકડાઉન છે અને તેના કારણે નવસારીના નંદનવન ગણદેવીમાં ચીકુ ઉતારી શકતા નથી. આ સાથે જ ગરમીનું પ્રમાણ પણ વધતા ચીકુઓ વાડીમાં જ પાકીને નીચે પડી રહ્યા છે. પડીને ફાટતા સડી જવાનાને કરાણે તેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેની સાથે ફળ માખીનો ઉપદ્રવ વધતા ચીકુને તો નુકસાન છે, જ પણ તેની સાથે કેરી, કેળા સહીતના અન્ય પાકોને પણ નુકસાન થશે. જેને કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડશે.
નવસારી કૃષિ યુનીવર્સીટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સી. કે. ટીંબડીયાએ જણાવ્યુ કે, હાલ લોકડાઉનને કારણે ચીકુ ખરીને નીચે પડી રહ્યા છે, અમે ખેડૂતોને ટેલીફોનીક માર્ગદર્શન આપી રહ્યા છે, પ્રથમ તો ખેડૂતો લોકલ માર્કેટમાં વેચવાનો પ્રયાસ કરે અને બાદમાં શક્ય એટલી વધુ ચીકુ ચિપ્સ બનાવીને સુકવી લે. તેમ છતા પણ જો શક્ય ન બને, તો કંપોઝ ખાતરનો ખાડો હોય એમાં ભેળવીને ખાતર બનાવે. એ પણ ન કરી શકાય, તો પડેલા ચીકુને જમીનમાં ખેડ કરીને ભેળવી લે, કારણ કોઈપણ વસ્તુ સડેલી હોય એને જમીન તરત જ સેન્દ્રીય ખાતરના રૂપમાં ફેરવી નાંખે છે.