નવસારી : આવતીકાલે 9 એપ્રિલ રવિવારે યોજાનારી જુનિયર કલાર્કની પરીક્ષાને લઈને નવસારી જિલ્લાના કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદનમાં પરીક્ષાઓની તૈયારીઓને લઇને વિગતો પૂરી પાડવામાં આવી હતી. ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ આયોજિત જુનિયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે વિગતો આપતા નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે જણાવ્યું કે આ પરીક્ષામાં જિલ્લાના 75 પરીક્ષા કેન્દ્રોના 901 વર્ગખંડોમાં યોજાશે.જિલ્લા કલકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પરીક્ષાને લઈને તમામ તૈયારીઓને આખરીઓ આપી દેવામાં આવ્યો છે.
હેલ્પલાઈન જાહેર : નવસારી જિલ્લામાં કેટલા ઉમેદવાર નવસારી જિલ્લામાં જુનિયર કલાર્કની પરીક્ષામાં કુલ 27030 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાર્થીઓને કોઈ મૂંઝવણ કે માર્ગદર્શનની જરૂર જણાય તો તે હેલ્પલાઈન નં.02637-257477 પર સંર્પક કરી શકાશે. જિલ્લા કલેકટરએ વધુમાં ઉમેર્યુ હતું કે, આ પરીક્ષા આયોજનબધ્ધ રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાના તમામ કેન્દ્રો પર ફરજ બજાવનાર અધિકારી અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે.
સરળ સંચાલનની તૈયારી : જુનિયર કલાર્ક પરીક્ષાના સરળ સંચાલન માટે પરીક્ષા કેન્દ્રો પર બોર્ડના પ્રતિનિધિ 80 , કેન્દ્ર સંચાલક 75 , સીસીટીવી ઓબ્ઝર્વર 75, સુપરવાઈઝર 291, ખંડ નિરિક્ષક 1017, કલાર્ક 116 તથા પોલીસ ગાર્ડ 375 ને સંબંધિત ફરજો માટે નિમણૂંક કરાયા છે. આ ઉપરાંત 28 ફ્લાઈંગ સ્કવોડની રચના કરવામાં આવી છે. આમ કુલ 2505 અધિકારીઓ, કર્મચારીઓને ફરજ પર નિયુકત કરાયાં છે.
નિયમોનુસાર ચકાસણી : જિલ્લાના દરેક કેન્દ્ર પર તમામ ઉમેદવારોની નિયમોનુસાર ચકાસણી કરવામાં આવશે. ફાળવેલા વર્ગખંડમાં ઉમેદવારોએ સમયસર પ્રવેશ મેળવી લેવાનો રહેશે. પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારો હોલ ટિકિટ (કોલ લેટર), ફોટો ઓળખકાર્ડ તથા બોલપેન સાથે પ્રવેશ કરી શકશે. પોતાની સાથે ઉમેદવારે પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન ડિજિટલ સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર અન્ય સાહિત્ય લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
ગેરરીતિ સામે ચીમકી : જુનિયર કલાર્ક પરીક્ષા અંતર્ગત કોઇપણ ઉમેદવાર ગેરરીતિ આચરતાં જણાશે તો તેને ગુજરાત જાહેર પરીક્ષા ગેરરિતી અટકાવવા બાબત વિધેયક 2023 તથા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 અંતર્ગત કાયદાકીય જોગવાઇ મુજબની શિક્ષા કરવામાં આવશે.
નકલી ઉમેદવારોને ખાળવા પ્રયાસ : આપને જણાવીએ કે જુનિયર ક્લાર્કની પરીક્ષા આવતી કાલે રવિવારે 9મી એપ્રિલે લેવાશે. રાજ્યના 9 લાખ 58 હજાર ઉમેદવારો 3 હજાર કેન્દ્રો પરથી કસોટી આપશે જેની તૈયારીઓને જિલ્લાવાર આખરી ઓપ અપાયો છે. દરેક શાળા લોબીમાં સીસીટીવી રાખવામાં આવ્યા છે. આ વખતે ખાસ વાત એ છે કે પરીક્ષામાં બોડી વોર્ન કેમેરા રાખવામાં આવ્યા છે. જેના કારણે નકલી ઉમેદવાર પરીક્ષા ન આપી શકે. બોડી વોર્ન કેમેરાથી ડમી ઉમેદવાર કેન્દ્ર સુધી પહોંચી જ નહીં શકે.