નવસારી: ગુજરાતના મહેસાણાના નાનકડા ગામનો સંજય સોલંકી નવસારી જિલ્લાના વિજલપોર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યો છે. જેની પત્ની ગર્ભવતી હતી અને પ્રસૂતિનો સમય નજીક હતો, પરંતુ કોરોનાની મહામારીને રોકવા ભારત સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ હોવાથી પોતાની ફરજ નિભાવવા માટે સંજયે પોતાની પિતા બનવાની ખુશીને કોરાણે મૂકી બંદોબસ્તમાં રહ્યો હતો.
ડિજિટલ માધ્યમથી પત્ની અને નવજાતની તબિયત જાણી સંજયની પત્ની હોસ્પિટલમાં હોવાં છતા અને તેની ત્યાં વધુ જરૂર હોવા છતાં રાષ્ટ્ર ધર્મને સર્વોપરી માની સંજય પોતાના ઉપરી અધિકારીઓ પાસે રજાની માંગણી પણ કરી ન હતી. આ દરમિયાન ગત રોજ સંજયની પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો. જેની સંજયને ટેલિફોનિક જાણ થતા પુત્ર જન્મની ખુશી પત્ની સાથે વીડિયો કોલિંગ દ્વારા વ્યક્ત કરી અને પોતાના લાડકવાયાને ફોન પર જ નિહારી આશીર્વાદ સાથે વ્હાલ કર્યું કર્યું હતું, ત્યારબાદ સંજય સોલંકી પોતાની ફરજ પર હાજર રહ્યો હતો.
નવસારીનો પોલીસ કૉન્સ્ટેબલ ગર્ભવતી પત્નીને મૂકી દેશની રક્ષામાં જોડાયો લોકરક્ષક દાળના કોન્સ્ટેબલ સંજય સોલંકીની ફરજ નિષ્ઠાની જાણ તેના પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સરજુ સાલુકેને થતા તેમણે તેની કર્તવ્ય નિષ્ઠાને બિરદાવી હતી. જ્યારે જિલ્લા પોલીસ વડા ડૉ. ગિરીશ પંડ્યાએ પણ કોન્સ્ટેબલ સંજય સોલંકી 23 માર્ચથી સતત પોતાની ફરજ નિભાવી રહ્યો હોવા સાથે જ પત્નીના પ્રસૂતિના સમયે પણ રાષ્ટ્ર ધર્મ કાજે રજા પણ ન લઈ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવતા અભિનંદન પાઠવ્યાં હતાં. આ સાથે જ અન્ય પોલીસ જવાનો માટે પ્રેરણાત્મક કામગીરી કરી હોવાથી ઇનામથી સન્માનિત કરવાની પણ ઘોષણા કરી છે. કોન્સ્ટેબલ સંજય સોલંકીએ કહ્યું કે, પુત્ર જન્મની ખુશી તો વર્ણવી શકાય નહી. એક પિતાને પુત્ર જન્મ પર આનંદ થાય, એવો જ ભાવ અનુભવી રહ્યો છું, પરંતુ કોરોનાની મહામારીને નાથવા સરકાર દ્વારા લાગુ કરાયેલા લોકડાઉનમાં ફરજ પણ એટલી જ મહત્વની છે. પત્ની સાથે વીડિયો કોલિંગ કરી વાત કરી લઉં છું અને દિકરાને પણ ફોન પર જ વહાલ કર્યું છે અને એનો ફોટો વ્હોટ્સ એપ પર મંગાવ્યો છે. લોકડાઉન પૂર્ણ થતાં ઘરે જઈશ, ત્યારે દિકરાને હાથમાં લઈ ખૂબ વહાલ કરીશ.