નવસારી: જિલ્લાના ખેતરોમાં ઉંદરોનો ઉપદ્રવ વધતાં ઉભા પાકને નુકસાન થવા સાથે ખેડૂતો અને ખેત મજૂરોને લેપ્ટોસ્પાયરોસીસ રોગ થવાની ભીતિ રહે છે. જેથી ચોમાસુ શરૂ થયા અગાઉ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાની 67,000 હેક્ટર જમીનમાં ઉંદરોનું નિયંત્રણ કરવાના પ્રયાસો શરૂ થયા છે. જેમાં દવા મૂકીને ઉંદરોનો નાશ કરીને ખેત ઉત્પાદોમાં થતું નુકસાન અને ખેડૂતોને લેપ્ટોસ્પાયરોસીસથી બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
નવસારીમાં ઉંદરોનો ઉપદ્રવ દૂર કરવાના પ્રયાસ શરૂ કરાયા
- 67,000 હેક્ટર જમીનમાં ઉંદરોનું નિયંત્રણ કરવામાં આવશેટ
- દવા મૂકીને ઉંદરો પર નિયંત્રણ રાખવામાં આવશે
- કામગીરી માટે નવસારી જિલ્લા ખેતીવાડી વિભાગે 3,350 સ્વયંસેવકોની કરી નિમણૂક
નવસારી જિલ્લામાં 67,000 હેક્ટર જમીનમાં ખેતી થાય છે. જેમાં ખાસ કરીને ડાંગર અને શેરડી મુખ્ય પાક છે. જો કે, તેની સાથે જ ખેડૂતો બાગાયતી પાકો અને શાકભાજીની ખેતી પણ કરે છે, પરંતુ ચોમાસુ શરૂ થયા અગાઉ ઉંદરોનો ત્રાસ વધે છે. આ ઉંદરો ઉભા પાકને મોટું નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત ચોમાસાના આરંભે ડાંગરની રોપણી પણ શરૂ થાય છે, ત્યારે ખેતરોમાં દર બનાવી રહેતા ઉંદરોના મળ-મૂત્રને કારણે ખેડૂતો અને ખેત મજૂરોને લેપ્ટોસ્પાયરોસીસ રોગ થવાનો ડર પણ વધે છે.
ઉંદરોના ઉપદ્રવને અટકાવવા નવસારી જિલ્લા ખેતીવાડી વિભાગે સ્વયંસેવકો નિયૂક્ત કર્યા છે. જે 1 કિલો ચોખાની કણકી કે ઘઉંના ભરડામાં 20 ગ્રામ બ્રામોડીલીઓન અને 20 ગ્રામ તેલ ભેળવી ઉંદરોને મારવાની દવા બનાવે છે. જેને ખેતરમાં ઉંદરોના દર બહાર કે દરની અંદર મુકવામાં આવે છે. જેને કારણે ઉંદર દવાવાળા ચોખા કે ઘઉં ખાઈને મૃત્યુ પામે છે.
નવસારી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ઉંદર નિયંત્રણ માટે 20 હેક્ટરે એક સ્વયંસેવક રાખવામાં આવ્યો છે. જેથી જિલ્લાના 6 તાલુકા અને 386 ગામડાઓની 67,000 હેક્ટર ખેતીની જમીનમાં 3,350 સ્વયંસેવકોની મદદથી ઉંદર નિયંત્રણની કામગીરી કરવામાં આવી રહી છે.