- શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખુલ્લેઆમ તમંચો લઈ ફરી રહ્યો હતો યુવાન
- મધ્ય પ્રદેશના અલીરાજપુરથી વેચવાના ઇરાદે લાવ્યો હતો તમંચો
- પોલીસે આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ કરી ધરપકડ
નવસારી : નવસારીના પશ્ચિમ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી તમંચો લઈ ફરી રહેલા એમપીના યુવાનને જલાલપોર પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યો હતો. આરોપી વેચવાના ઇરાદે અલીરાજપુરથી તમંચો લાવ્યો હતો.
![નવસારીમાંથી દેશી તમંચા સાથે એક ઝડપાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-03-deshi-tamancho-rtu-gj10031_21122020154427_2112f_1608545667_459.jpg)
પોલીસે દેશી તમંચા સાથે જીવતી કારતૂસ સાથે આરોપીની કરી ધરપકડ
જલાલપોર પોલીસને રવિવારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, નવસારીના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નગીન જીવણ ચાલ પાસે એક યુવાન કમરમાં બંદૂક ખોસીને ફરી રહ્યો છે. જે બાતમીને આધારે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે "અપના ટાઇમ આયેગા" લખેલ લાલ રંગના શર્ટ અને ભુરા રંગનો જીન્સ પહેરેલા યુવાનને પકડી તપાસ કરતા તેની કમરમાં ખોસેલો હાથ બનાવટનો દેશી તમંચો મળી આવ્યો હતો. જેની પૂછપરછમાં આરોપી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઉમરાલી ખાતે રહેતો રીંકલા નાનસિંગ સસ્તીયા હોવાનું ખુલ્યુ હતુ. જે હાલ નવસારીના છાપરા રોડ પર આવેલા પંચવટી સોસાયટીની પાછળ પંદરગાળા પાસે પડાવમાં રહીને મજૂરી કામ કરતો હતો. જેની પાસેથી દેશી તમંચો તેમજ જીવતા કારતૂસ મળી કુલ 2600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે અટકમાં લીધો હતો. તેમજ આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેની ધરપકડ કરી હતી. જ્યારે સમગ્ર મુદ્દે આર્મ્સ એકટ હેઠળ જલાલપોર પોલીસ મથકના ચોપડે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.