નવસારીઃ જલાલપોર તાલુકાના મછાડ અને બોદાલી તેમજ આસપાસના ગામોમાં છેલ્લા થોડા દિવસોથી એક કપીરાજે ઉત્પાત મચાવ્યો હતો. જોકે ઉત્પાતની સાથે સાથે કપીરાજ દ્વારા ગ્રામીણો પર હુમલો કરાતો હોવાની ફરિયાદો ઉઠી હતી. જેમાં રસ્તે ચાલતા લોકોને હેરાન કરતો હોવાની વાતો પણ સામે આવી હતી.
જેમાં મછાડ ગામની એક વૃદ્ધા તેમજ એક બાઈક ચાલક પર હુમલો કરતા બંને ઘાયલ થયા હતા. જયારે કપીરાજના હુમલામાં બાઈકને પણ નુકશાન થયુ હતુ. ફરિયાદોને ધ્યાને લઇ નવસારી વન વિભાગના આરએફઓ વાય. એસ. પઠાણ તેમની ટીમ તેમજ એનિમલ સેવિંગ્સ સોસાયટીના સભ્યો સાથે પાંજરૂ લઇ કપીરાજને પકડવા પહોંચ્યા હતા. જ્યાં ભારે મહેનત બાદ તોફાની કપીરાજને પકડવામાં તેમને સફળતા મળી હતી. જયારે કપીરાજ પાંજરે પુરાતા ગ્રામીણોએ રાહતનો શ્વાસ લીધો હતો.