નવસારી : વિશ્વમાં ફેલાઈ રહેલી કોરોના વાઇરસની મહામારી ભારતમાં વકરે નહીં, એ હેતુથી મોદી સરકારે 21 દિવસનું લોક ડાઉન જાહેર કર્યું છે. જેમાં લોકો ઘરે રહે અને લોક ડાઉનનું ચુસ્તતાથી પાલન કરે એ માટે પોલીસ જવાનોને શહેરો અને ગામડાના રસ્તા પર ગોઠવી દેવામાં આવ્યા છે.
નવસારી જિલ્લામાં પણ છેલ્લા 15 દિવસોથી જિલ્લામાં જીઆરડી, હોમગાર્ડસ, ટીઆરબી અને પોલીસ મળી 1500થી વધુ જવાનો ફરજ બજાવી રહ્યા છે. 35થી 40 ડિગ્રીના આકરા તાપમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વિના અડગતાથી 12થી 14 કલાકની ફરજ બજાવતા પોલીસ જવાનોને સવારે ચા-નાસ્તો અને બપોરે તથા સાંજે વ્યવસ્થિત ભોજન મળી રહે એ હેતુથી જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડ્યા દ્વારા નગર શ્રેષ્ઠીઓની સંસ્થા નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના સહયોગથી ગાંધી પંચની વાડીમાં પોલીસ જવાનો માટે રસોડું શરૂ કરાવ્યું છે.
જ્યાં પોલીસ પરિવારના મુખિયાના ધર્મપત્ની પીનલ પંડ્યા પણ 1500થી વધુ પરિવારના સદસ્યોને સાત્વિક ભોજન મળે, વ્યવસ્થિત રીતે ફૂડ પેકેટ્સ ભરાય અને તેમના સુધી પહોંચે એની તકેદારી રાખી રહ્યા છે. પોતે સવાર અને સાંજે રસોડા પર આવી જવાનોને પોષણક્ષમ ભોજન પહોંચાડાય એની દેખરેખ રાખી રહ્યા છે. સાથે જ રસોડામાં કામ કરતા રસોઈયા અને સહાયકોની પણ સમયાંતરે આરોગ્ય ચકાસણી પણ કરાવી હાઇજેનિક રીતે રસોઈ તૈયાર કરાવે છે. જેથી કોરોનાની મહામારી સામેની લડાઈ પોલીસ જવાનો સ્વસ્થતાથી લડી શકે.