- નવસારીમાં રખડતા ઢોરનો મુદ્દો વર્ષોથી વણ ઉકેલ્યો
- પાલિકાના સીઓ અને અધ્યક્ષ સામે નવસારી કોર્ટમાં ફરિયાદ
- સમગ્ર તપાસનો રિપોર્ટ હાઈકોર્ટમાં સમક્ષ રજૂ કરવાનું પોલીસને ફરમાન
નવસારી: શહેરમાં રખડતા ઢોરનો મુદ્દો વર્ષોથી વણ ઉકેલ્યો રહ્યો છે. રખડતા ઢોરોને કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભુતકાળમાં એક વૃદ્ધાએ જીવ પણ ગુમાવ્યો હતો. જેમાં ગત્ત વર્ષે શહેરના ટાવર વિસ્તારમાં ગધેડાને કારણે ઘાયલ થયેલા મુસ્લિમ વૃદ્ધના વકીલ પુત્રએ પાલિકાના સીઓ અને તત્કાલીન કારોબારી સમિતિના અધ્યક્ષ સામે નવસારી કોર્ટમાં કરેલી ફરિયાદ બાદ નોંધાયેલી પોલીસ ફરિયાદને રદ કરાવવા માટે બંને આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને હાઈકોર્ટે કાઢી નાખી, બંને આરોપીઓને પોલીસ તપાસમાં સહયોગ કરવા સાથે જ તપાસ રીપોર્ટ 4 ડીસેમ્બર સુધી કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ કર્યો છે. જોકે, આ સમય દરમિયાન બંને આરોપીઓની ધરપકડ ન કરવાનો હુકમ કર્યો છે.
રસ્તા પર અડીંગો જમાવી રહેતા રખડતા ઢોરો માથાનો દુ:ખાવો
ગાયકવાડી રાજમાં વિકસિત થયેલા નવસારી શહેરના રસ્તાઓ સાંકડા છે. વધતી વસ્તીને કારણે ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વિકરાળ બનતી જાય છે, ત્યારે શહેરના રસ્તાઓ પર અડીંગો જમાવીને બેસી રહેતા રખડતા ઢોરો શહેરીજનો માટે માથાનો દુ:ખાવો બન્યા છે. શહેરમાં ગાય, વાછારડા, આખલા તેમજ ગધેડાઓનો ત્રાસ વધ્યો છે, પણ નવસારી પાલિકાની આળસને કારણે ઘણીવાર શહેરીજનો અકસ્માતનો ભોગ બને છે. રસ્તાઓ પર અલમસ્ત આખલાઓની લડાઈમાં ઘણા લોકો ગંભીર રીતે ઘવાયા છે, જ્યારે પાલિકાની શાક માર્કેટમાં આખલાઓની લડાઈમાં એક વૃદ્ધાએ જીવ પણ ગુમાવવો પડ્યો હતો. આ સાથે જ આખલા લડાઈમાં રસ્તા પર મુકેલા વાહનોમાં પણ મોટા નુકસાન થયાની ફરિયાદો ઉઠતી રહી છે.
રખડતા ઢોર મુદ્દે પાલિકાના અધિકારી અને પદાધિકારી સામે ગુનો
નવસારી પાલિકાના સીઓ અને તત્કાલીન કારોબારી સમિતિ અધ્યક્ષ સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ સફાળી જાગેલી પાલિકાએ રખડતા ઢોરોને પકડવાની કામગીરી આરંભી છે, જેમાં 11 ગધેડાઓ પણ પાંજરે પુર્યા છે. જોકે, વર્ષોની ફરિયાદો બાદ પણ પાલિકાની આળસને કારણે દક્ષિણ ગુજરાતમાં રખડતા ઢોરોને કારણે પાલિકાના અધિકારી અને પદાધિકારી સામે ગુનો નોંધાયો હોય એવો કદાચ પ્રથમ કિસ્સો બન્યો છે. જેમાં સમગ્ર મામલે પોલીસ તપાસ ઉપર સૌની મીટ મંડાયેલી રહેશે.