- જિલ્લાના તમામ તાલુકાઓ થયા પાણી-પાણી
- નવસારી જિલ્લામાં સવારે 8 વાગ્યા સુધીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો
- શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી
નવસારી : નવસારી જિલ્લામાં મોડી રાતથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જિલ્લાના તમામ તાલુકાઓ પાણી-પાણી થયા છે. ખાસ કરીને નવસારી અને ગણદેવી તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને કારણે સવારે નોકરિયાતો અને વિદ્યાર્થીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : પીએમ મોદી અમેરિકા પ્રવાસના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાના પીએમ, કમલા હેરિસ, ગ્લોબલ સીઈઓ સાથે મુલાકાત કરશે
ભારે વરસાદને પગલે જિલ્લાની લોકમાતાઓ બંને કાંઠે
ચોમાસાના છેલ્લા દિવસોમાં અવિરત વરસેલા વરસાદે જિલ્લાને પાણીથી તરબોળ કરી દીધો છે. જેમાં પણ છેલ્લા થોડા દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ગત મોડીરાતથી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ગણદેવી અને નવસારી તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના રાજમાર્ગો પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના ગ્રીડથી બારડોલી જતા રોડ પર, ભારતી ટોકીઝ પાસે, મંકોડીયા, નવસારી રેલવે ગરનાળા, ગોલવાડ, જુનાથાણા, પારસી હોસ્પિટલથી ધર્મીનનગર સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાવાને કારણે સવારે વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને હાલાકી વેઠવી પડી છે.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સેનાના જવાનોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો
રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હાલમાં પણ રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડતા મોટા ભાગને ડેમો ઓવર ફ્લો થયા છે. જૂલાઈ-ઓગસ્ટમાં સારો વરસાદન ન પડતા ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતી જોવા મળી હતી પણ હાલમાં ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ થવાની ભીતી સર્જાઈ છે.