- ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર અંતર્ગત નવસારી જિલ્લામા પ્રથમ ઓવર બ્રિજ પૂર્ણતાને આરે
- 350 મેટ્રીક ટન વજની ગીર્ડર પીલરો પર ટેકનીકલ સપોર્ટ અને 30 કારીગરોની મદદથી મુકાઇ
- ગાંધિ સ્મૃતિ ફાટક પર બ્રિજ બનતા પશ્ચિમ વિસ્તારના ગામડાઓના લોકોની ટ્રાફિક સમસ્યા થશે હળવી
નવસારી: ભારત સરકાર દ્વારા માલગાડીઓ માટે નિર્માણાધિન ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર અંતર્ગત આવતી તમામ રેલ્વે ફાટકોને માનવ રહિત કરવામા આવી રહી છે. નવસારી જિલ્લામા પણ 9 ફાટકોને બંધ કરી, ત્યા ઓવર બ્રિજ બનાવવામા આવી રહ્યા છે. જેમાંથી ગાંધિ સ્મૃતિ રેલ્વે ફાટક પાસે બની રહેલો બો સ્ટ્રિંગ ગીર્ડર ઓવર બ્રિજ ગુજરાતનો પ્રથમ બ્રિજ બન્યો છે, જે આગામી જાન્યુઆરીમા નવસારીવાસીઓ માટે ખુલ્લો મુકાય એવી સંભાવના જોવાઇ રહી છે. જેનાથી નવસારીના પશ્ચિમ વિસ્તારના ગામડાઓના લોકોની ટ્રાફિક સમસ્યા પણ હળવી થશે.
63.40 મીટર લાંબો ગુજરાતનો પ્રથમ બો સ્ટ્રીંગ ગીર્ડર ઓવર બ્રિજ બન્યો
ભારત સરકારની મહાત્વાકાંક્ષી યોજનાઓમાની એક ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, જે પ્રથમ ચરણમા મુંબઇથી દાદરી સુધી બની રહ્યો છે. વિશેષ કરીને માલગાડીઓ માટે બની રહેલા ફ્રેટ કોરિડોર અંતર્ગત આવતી તમામ રેલ્વે ફાટકોને માનવ રહિત કરવામા આવી રહી છે, જેથી ટ્રાફિકની સમસ્યાને નિવારી શકાય અને ટ્રેનોની આવન-જાવન પણ ઝડપી રહે. નવસારી જિલ્લામા પણ રેલ્વે ફટકો, નદી અને નાળાઓ મળીને કુલ 27 બ્રિજો બની રહ્યા છે. જેમા રેલ્વે ફાટકોમા મરોલી, સાગરા, નવસારી, વિજલપોર, ગાંધિ સ્મૃતિ, અમલસાડ, બીલીમોરા, દેસરા સહિત 9 ફાટકો બંધ કરી, ત્યા 7 ઓવર બ્રિજ બનાવવાની યોજના છે.
63.40 મીટર લાંબો અને 12 મીટર પહોળો છે આ બ્રિજ
આ ઓવર બ્રિજોમા નવસારીના ઐતિહાસિક ગાંધી સ્મૃતિ રેલ્વે સ્ટેશન નજીકની રેલ્વે ફાટક ઉપર બની રહેલો ઓવર બ્રિજ બો સ્ટ્રીંગ ગીર્ડર ઓવર બ્રિજ છે. 63.40 મીટર લાંબો અને 12 મીટર પહોળા આ બ્રિજનુ વજન 350 મેટ્રિક ટન છે. સૈંકડો ટનના આ બ્રિજ એંજિનિયરિંગનો પણ ઉત્તમ નમુનો છે, જેને ખાનગી કંપની અને ડીએફસીસી દ્વારા બ્રિજને તૈયાર કરી, ક્રેન અને બેરિંગ ગડરની મદદથી રેલ્વે ટ્રેકની બન્ને તરફ બનેલા પીલરો પર ગોઠવવામા આવ્યો છે. જેને ચઢાવવા અને એક પોઇટથી બીજા પોઇંટ પર મુકવા માટે 30 કારીગરો કામે લાગ્યા હતા.
આ બ્રિજ નવસારી માટે ગૌરવની વાત
હાલ બ્રિજનો એક તરફનો ભાગ મુકવામા આવ્યો છે અને આગામી દિવસોમા બીજો ભાગ તૈયાર કરીને બ્રિજના બન્ને છેડાઓ ઉપર ગોઠવવામા આવશે. 63.40 મીટર લંબાઇને કારણે આ બ્રિજ ગુજરાતનો પ્રથમ બો સ્ટ્રીંગ ગીર્ડર બ્રિજ બન્યો છે, જે નવસારી માટે ગૌરવની વાત છે.
ત્રણ વર્ષો બાદ જાન્યુઆરી 2021માં બ્રિજ નવસારીવાસીઓ માટે ખુલ્લો મુકાવાની સંભાવના
ઉલ્લેખનિય છે કે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અંતર્ગત વર્ષ 2017માં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ બો સ્ટ્રીંગ ગીર્ડર ઓવર બ્રિજનુ ભુમિપૂજન કર્યુ હતું. ત્રણ વર્ષોમાં જમીન સંપાદનને કારણે બ્રિજનુ કામ અટવાયા બાદ કોરોના કાળમા પણ બ્રિજ નિર્માણની ગતિ ધીમી પડી હતી. જોકે રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા બની રહેલા ગુજરાતના પ્રથમ બો સ્ટ્રીંગ ગીર્ડર ઓવર બ્રિજનુ કામ આગામી જાન્યુઆરીમા પૂર્ણ થવાની સંભાવના સેવાઇ રહી છે. જેથી નવસારીજનોને માટે ગાંધી સ્મૃતિ ફાટકનો આ ઓવર બ્રિજ શરૂ થતા જલાલપોર તાલુકાના ગામડાઓના હજારો લોકોને નવસારી આવન-જાવનમા અને ઐતિહાસિક દાંડી જનારાઓને પણ ફાયદારૂપ સાબિત થશે.