નવસારી: માર્ચ 2020માં લેવાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ તેની ઉત્તરવાહીઓની ચકાસણી શરૂ થવાના સમયે જ કોરોનાની મહામારીને કારણે જાહેર થયેલા લૉક ડાઉનને કારણે અટકી પડી હતી. લૉક ડાઉન લંબાતા બોર્ડના વિદ્યાર્થીઓના પરિણામ પણ લંબાવાની સંભાવના વધતાં શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કાર્ય શરૂ કરાયું છે. જેમાં નવસારી જિલ્લાના 5 કેન્દ્રો પર 500 શિક્ષકો દ્વારા ઉત્તરવાહીઓની ચકાસણી શરૂ કરવામાં આવી છે.
લૉક ડાઉનમાં અટકેલું બોર્ડ પરીક્ષા ઉત્તરવહી મૂલ્યાંકન કાર્ય શરૂ નવસારી જિલ્લામાં ધોરણ 10ના ત્રણ વિષયો, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 6 વિષયો અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો 1 વિષય મળી કુલ 10 વિષયોની ઉત્તરવાહીઓ ચુસ્ત બંદોબસ્ત સાથે તપાસવાનું શરૂ કરાયું છે. જેમાં ગુરૂવારે સંસ્કાર ભારતી સ્કૂલમાં ગણિતની ઉત્તરવહી ચકાસણીમાં 155 શિક્ષકોની નિમણૂક સામે 113 શિક્ષકો ચકાસણી અર્થે ઉપસ્થિત રહ્યાં હતાં.
લૉક ડાઉનમાં અટકેલું બોર્ડ પરીક્ષા ઉત્તરવહી મૂલ્યાંકન કાર્ય શરૂ નવસારી જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, કોરોનાને ધ્યાને રાખી સોશિઅલ ડિસ્ટનસિંગનું પાલન થાય એટલે શાળાઓની પસંદગી પર પણ ધ્યાન અપાયું છે. શાળાના એક વર્ગખંડમાં 5 જ શિક્ષકોને બેસાડવામાં આવ્યાં છે, સાથે જ માસ્ક, સેનેટાઇઝર તેમ જ રીસેસ પણ અલગ અલગ સમયે આપવાની વ્યવસ્થા ગોઠવાવમાં આવી છે. જ્યારે વલસાડ જિલ્લામાંથી આવતા શિક્ષકોને તેમના જ જિલ્લાના નજીકના કેન્દ્ર પર નિમણૂક આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ કોરોનાનું રેડ ઝોન બનેલા સૂરત જિલ્લાના શિક્ષકોને નવસારીમાં આવવાથી મુક્તિ આપી છે.