- જિલ્લા અધિક કલેક્ટર તેમજ વહીવટી અધિકારીઓને અપાઈ કોરોના વેક્સિન
- નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસ જવાનોએ લીધી વેક્સિન
- 3 હજારથી વધુ ફ્રન્ટ લાઈન યોદ્ધાઓને અપાઈ વેકસીન
નવસારી : કોરોનાએ દેશભરના લોકોના જીવનની ગતિ ધીમી કરી હતી, જેથી કોરોના સામે રક્ષણ મેળવવા ભારતીય વૈજ્ઞાનિકોએ વેક્સિન રૂપી બ્રહ્માસ્ત્ર બનાવ્યું અને કોરોના સામે અગ્રેસર રહીને લડતા આરોગ્યકર્મીઓ બાદ હવે ખડે પગે ઉભા રહેતા પોલીસ જવાનો અને વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને કોરોના રસીનું રક્ષણ અપાયું છે. જેમાં નવસારીના અધિક કલેક્ટર કમલેશ રાઠોડ, નવસારી પ્રાંત અધિકારી તુષાર જાની, પાલિકા સીઓ દશરથસિંહ ગોહિલ તેમજ 383 વહીવટી અધિકારી-કર્મચારીઓ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, નાયબ પોલીસ અધિક્ષક બી. એસ. મોરી સહિતના 1192 પોલીસ અધિકારી અને જવાનોએ વેક્સિન લીધી હતી.
નવસારીમાં 1575 લોકોને કોરોના રસી અપાઈ
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વહીવટી અને પોલીસ વિભાગ બંને મળીને કુલ 2005 લોકોને કોરોનાની રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 6 તાલુકાઓમાં રસીકરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જ્યાં અધિકારીઓ અને કર્મચારીઓ મળીને 1575 એટલે 78.55 ટકા લોકોએ રસી લીધી હતી. તાલુકા અનુસાર જોવા જઈએ તો સૌથી વધુ નવસારી તાલુકામાં 91.21 ટકા અને સૌથી ઓછુ ગણદેવી તાલુકામાં 63 ટકા રસીકરણ થયું હતું.
નવસારીમાં કોરોનાના કેસોમાં ઘટાડો
કોરોના આવ્યાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, ત્યારે નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં 1562 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. જેમાંથી સરકારી આંકડા પ્રમાણે 1455 લોકોએ કોરોનાને હરાવ્યો, જ્યારે 102 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે છેલ્લા થોડા દિવસોથી ફક્ત 5 દર્દીઓ સારવાર હેઠળ છે. જેથી નવસારી કોરોનામુક્ત થવા તરફ આગળ વધી રહ્યું છે.