નવસારીઃ કોરોના માહામારી અટકવાનું નામ નથી લઇ રહી ત્યારે નવસારીમાં પણ સતત કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે, જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 900 પાર પહોંચી છે. સતત વધતા કોરોના પોઝિટિવ કેસને જોતા રાજ્ય સરકાર દ્વારા સાર્વજનિક ગણેશોત્સવ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.
નવસારીમાં પણ ફક્ત 2 ફૂટની માટીની શ્રીજીની પ્રતિમાનું ઘરમાં જ સ્થાપન સાથે સરઘસ, શોભાયાત્રા કે વિસર્જન પર પણ પ્રતિબંધ લાગાવ્યો હતો.
કોરોનાને લઈને નવસારીજનોએ પણ સંયમ જાળવી, ઘરમાં જ ભગવાન વિઘ્નહર્તાને આવકાર આપ્યો હતો. 10 દિવસો સુધી બાપ્પાની ભક્તિભાવથી પૂજા-અર્ચના કરી કોરોનાને નાથવા પ્રાર્થના કરી હતી. બાપ્પાની ભક્તિમાં લીન રહ્યા બાદ આજે મંગળવારે અંતન ચતુર્દશીને દિને ભક્તોએ શ્રીજીને ભારે હૈયે વિદાય આપવાની તૈયારી કરી હતી.
જો કે, જાહેરનામાંને લઇ નવસારી પોલીસ દ્વારા પૂર્ણા નદીને કિનારે ઓવારા પર ગણેશ વિસર્જન ન થાય એની તકેદારી રાખી હતી. જે શ્રીજી ભક્તો વિઘ્નહર્તાને વિસર્જિત કરવા આવ્યા હતા, એમને ઘરે જ પાણીની ડોલ, તપેલા કે પ્લાસ્ટિકના પીપમાં વિસર્જન કરવાની સમજ આપી પરત મોકલ્યા હતા.
મોટા ભાગના ગણેશ મંડળોએ અને ભક્તોએ પોતાના ઘર આંગણે જ શ્રીજીની ભવ્ય શોભાયાત્રા સમાન માહોલ બનાવી, બાપ્પાને મોટા તપેલા કે પ્લાસ્ટિકના પીપમાં વિસર્જિત કર્યા હતા. સાથે જ કોરોનાનો ખાતમો કરી, આવતા વર્ષે ભગવાન શ્રી ગણેશને ધામધૂમથી પધરામણી કરવા પ્રાર્થના કરી હતી.