નવસારી: ફળોના રાજા કેરીની મીઠાશ આ વર્ષે ખેડૂતો અને આંબાવાડી રાખનારા વેપારીઓ માટે ખાટી સાબિત થાય એવી સ્થિતિ બની છે. બદલાતા મોસમમાંથી જેમ તેમ પાકને બચાવી સારી આવકની આશા સેવી રહેલા ખેડૂતની સ્થિતિ કોરોનાને કારણે વિકટ બની છે. જ્યા ખેડૂતો અંદાજે 30 ટકા જ પાક ઉતરવાનુ અનુમાન કરી રહ્યા છે, ત્યાં પાક ઉતારવા માટે મજૂરો મળવા પણ મુશ્કેલ બન્યા છે. સાથે જ કેરીને યોગ્ય બજાર ન મળે, તો ખેડૂતોને મોટુ આર્થિક નુકશાન વેઠવાની નોબત આવશે. જેથી અંદાજે 25 દિવસની જ કેરીની સીઝનમાં આંતર જિલ્લા અને આંતર રાજ્યમાં કેરી પહોંચાડવા સરકાર યોગ્ય ગાઈડ લાઈન જાહેર કરે એવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.
કેરીના પાકમાં નુકસાની
નવસારી જિલ્લાની કેસર અને હાફૂસ કેરી દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. નવસારીમાંથી કેરી વિદેશોમાં પણ એકસપોર્ટ કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે મોડે સુધી રહેલા ચોમાસાને કારણે આંબા પર ફલાવરીંગ મોડુ થયુ, ત્યારબાદ શિયાળામાં ઠંડી-ગરમી બે મોસમ તેમજ ઝાંકળને કારણે આંબા પર આવેલી પુષ્કળ આમ્ર મંજરીમાં સુકારો, ભૂકી છારાનો રોગ અને ફૂગ લાગવાને કારણે મોર ખરી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જોકે દવાનો છંટકાવ કરીને કેરીનો પાક બચાવવાનો પ્રયાસ કરાયો હતો. તો બીજી તરફ કોરોનાને કારણે જાહેર થયેલા લોકડાઉનમાં ચીકુનો પાક ઝાડ પર જ પાકી જવાને કારણે ફળ માખીનો ઉપદ્રવ વધ્યો છે, જેને કારણે કેરીમાં પણ નુકશાની જોવા મળી રહી છે.


લોકડાઉનની અસર
આ સાથે જ લોકડાઉનમાં મજૂરો પણ ન મળવાથી આ વર્ષે અંદાજીત 30 ટકા જ પાક રહે અને કેરીની સીઝન પણ ફક્ત 20 થી 25 દિવસ રહેવાનું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે. લોકડાઉનમાં કેરીને બજાર સુધી પહોંચાડવા ટ્રાન્સપોર્ટની પણ સમસ્યા ઉભી થવાની સંભાવનાને કારણે ખેડૂતને મોટુ આર્થિક નુકશાન વેઠવાનો વારો આવે એવો ડર પણ ખેડૂતોને સતાવી રહ્યો છે.






