- ભાજપ પ્રદેશ પ્રમુખના ધારાસભ્યોની લડાઈ મુદ્દે જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલે આપી પ્રતિક્રિયા
- નવસારી જિલ્લાના વિકાસ માટે ત્રણેય ધારાસભ્યો કટિબદ્ધ
- ઓવરબ્રિજના ભૂમિ પૂજનમાં પાટીલના નિવેદન સામે પટેલની પ્રતિક્રિયા
નવસારી : શહેરના રેલવે સ્ટેશન નજીકની ફાટક નંબર 127 ઉપર ડીએફસીસી હેઠળ 114 કરોડ રૂપિયાનો ઓવરબ્રિજના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વિવાદિત નિવેદન આપ્યુ હતુ. જેમાં નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલની લડાઈમાં બન્ને શહેરોનો વિકાસ રૂંધાતો હોવાની વાત કરતા ઉપસ્થિતોમાં આશ્ચર્ય સર્જાયું હતુ. સમગ્ર મુદ્દે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈનો પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કરતા તેમણે કંઈપણ કહેવાની ના પાડી હતી, જ્યારે નવસારીના મુનસાડ ગામે 31 સરકારી આવાસોના ભૂમિ પૂજન કાર્યક્રમમાં જલાલપોરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ ઉપદંડક આર.સી.પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
પિયુષભાઈ સાથે કોઈ મન મુટાવ નહીં
આર.સી.પટેલે વધુમાં જણાવ્યું કે, દરેક ધારાસભ્ય પોતાના વિસ્તાર માટે તત્પર હોય છે. મારા અને પિયુષ ભાઈ વચ્ચે કોઈ મન મુટાવ નથી. નવસારી જિલ્લાના વિકાસ માટે ત્રણેય ધરાસભ્ય કટિબદ્ધ છે. દમણ ગંગાની પાણીની યોજના માટે પિયુષભાઈ સાથે જ પ્રયાસો પણ કર્યા છે. હવે નવસારી-વિજલપોર એક થતા એના વિકાસ માટે પણ સંયુક્ત પ્રયાસો કરીશું.