નવસારીઃ શિયાળો એટલે શરીરને સ્વસ્થ રાખવાની ઋતુ. આ ઋતુમાં લીલા શાકભાજી વિપુલ પ્રમાણમાં ખવાતા હોય છે. ત્યારે આવા શાકભાજીનું ઉત્પાદન કરતા ખેડૂતોની હાલત દયનીય થઈ છે. અહીં ઠંડીની સાથે વાદળછાયું વાતાવરણ રહેતા શાકભાજી પાકોમાં જીવાતજન્ય રોગ થયા હતા. તેના કારણે ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. બીજી તરફ ઘણી શાકભાજીમાં બમ્પર પાક થયો છે, પણ APMCમાં પોષણક્ષમ ભાવો ન મળતા સારો પાક હોવા છતાં ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જેથી ખેડૂતોને ફાયદો છતાં નુકસાની વેઠવી પડી રહી છે.
આ પણ વાંચો Cold-weather: સાબરકાંઠા જિલ્લામાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેતા રવિ પાકને ફાયદો
ખેડૂતોની મહેનત પાણીમાંઃ જિલ્લામાં શિયાળામાં ખેડૂતો ફ્લાવર, રિંગણ, કોબી સહિત વેલાવાળા શાકભાજી મોટા પ્રમાણમાં ઉત્પાદન લેતા હોય છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી બદલાતું વાતાવરણ ખેડૂતોની સ્થિતિ બગાડી રહ્યું છે. ગત 10 દિવસોથી ઠંડી ઓછી પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેતા અને રાત્રે ઠંડી સાથે ભેજ પડવાના કારણે શાકભાજી પાકોમાં જીવાત પડી ગઈ છે. જીવાતજન્ય રોગના કારણે તૈયાર પાકમાં નુકસાની થવાની સંભાવનાને જોતા ખેડૂતોએ દવાનો છંટકાવ કરી પાક બચાવ્યો હતો, તેમ છતાં તેની ગુણવત્તા પર અસર જોવા મળી છે. આના કારણે ખર્ચો કર્યા બાદ પણ બજારમાં યોગ્ય ભાવ નથી મળી રહ્યા.
ખેડૂતોને નુકસાનઃ ઉપરાંત રિંગણ, કોબી, ભીંડા, ફ્લાવર, ટામેટા જેવા છોડવાવાળા શાકભાજીમાં સારું ઉત્પાદન જોવા મળ્યું છે. રોજના હજારો કિલો શાકભાજી APMCમાં આવી રહ્યું છે, પરંતુ ખેડૂતોને વધુ ઉત્પાદનના કારણે પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. ફ્લાવર, રીંગણ બજારમાં 120થી 200 રૂપિયે મણ વેપારીઓ ખરીદી રહ્યા છે. એટલે 6થી 10 રૂપિયા કિલો થાય. એ જ શાકભાજી ગ્રાહકોને 30થી 40 રૂપિયે કિલો મળી રહ્યું છે, જેથી ખેડૂત 90 દિવસ મહેનત કરી શાકભાજી ઉગાડે, સારૂ ઉત્પાદન મળે, પણ યોગ્ય ભાવ નથી મળતો અને આર્થિક નુકસાની વેઠવી પડે છે.
સરકાર તરફથી આશાઃ બદલાતા વાતાવરણ સાથે વધુ ઉત્પાદન થતા ઓછા ભાવ ખેડૂતને આર્થિક ફટકો મારી જાય છે. ત્યારે સરકાર ખેડૂતો પોતાનું ઉત્પાદન સીધું બજારમાં વેચી શકે અથવા જ્યાં માગ હોય ત્યાં જથ્થો પહોંચી શકે એવી વ્યવસ્થા ઊભી કરે એવી આશા સેવી રહ્યા છે.