વાંસદાના ખભાળિયા ગામે રહેતા મનોજભાઈના બંને સંતાન રાત્રે ઉંઘતા હતા. ત્યારે જીતેન્દ્ર દારૂના નશામાં આવ્યો અને દારૂ પીવા માટે પૈસા માંગ્યા હતા. જે બાદ બાઇકની ચાવી માગતા મનોજભાઈએ તેને ના પાડી હતી. આ વાતની ગણતરીની મિનિટોમાં મનોજભાઈના ઘરમાંથી બાળકો અને પરિવારની બુમાબુમ સંભળતાં તેઓ ઘરે દોડી ગયા હતાં.
ઘરે ગયા ત્યારે તેમના 13 વર્ષીય પુત્ર રાજકુમાર અને 14 વર્ષીય પુત્રી નંદિની લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. જીતેન્દ્રના હાથમાં બ્લેડ હતી. સ્થાનિકોએ જીતેન્દ્રને પકડી તાત્કાલિક બહાર લઈ ગયા અને માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બંને બાળકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ વાંસદા અને બાદમાં વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
નોંધનીય છે કે, સમગ્ર ઘટના બાબતે ઇજાગ્રસ્ત બાળકોના પિતા દ્વારા વાંસદા પોલીસ મથકે જાણકારી આપવામાં આવી હતી. હાલ પોલીસે નશો કરનાર યુવકની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. વલસાડની સિવિલ હૉસ્પિટલમાં બંને બાળકોની સારવાર ચાલી રહી છે.