નવસારી : ચીખલી તાલુકાની માણેકપોર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગ્રામ પંચાયત કચેરીના બાંધકામની જગ્યા બાબતે બે જૂથ સામસામે આવી જતા થતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. બોલાચાલીનો મામલો એટલો વધી ગયો કે, સામસામે ખુરશીઓ ઉછાળવાના દ્રશ્ય નજરે પડ્યા હતા. ત્યારબાદ ત્યાં હાજર રહેલા આગેવાનોએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.
ગ્રામસભા બની યુદ્ધનું મેદાન : માણેકપોર ગ્રામ પંચાયત કચેરી ખાતે ગઈકાલે બપોરે તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી કેતનભાઈ તેમજ તલાટી અને સરપંચ સહિતના લોકોની ઉપસ્થિતિમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ઘણા સમયથી ચાલી રહેલો ગ્રામ પંચાયતની નવી કચેરીના બાંધકામની જગ્યાનો પ્રશ્ન આવતા શરૂ થયેલી ચર્ચા ઉગ્ર બની હતી. અચાનક આ મામલે બે જૂથ સામ-સામે આવી ગયા અને ગ્રામસભા તોફાની બની હતી. જેમાં ખુરશીઓ ઉછળવા સાથે બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. આ અંગે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ચીખલી તાલુકાના માણેકપોર ગામની ગ્રામસભામાં ગ્રામ પંચાયત કચેરીના બાંધકામની જગ્યા બાબતે વિવાદ થતા બે જૂથ સામસામે આવી જતા વિવાદ વકર્યો હતો. જોકે, ગામના આગેવાનોએ વચ્ચે પડી વિવાદનો અંત લાવી સર્વ સંમતિથી જૂની જગ્યાએ જ કચેરીનું બાંધકામ કરવાનું નક્કી કરી મામલો થાળે પાડ્યો હતો. -- રાજુભાઈ પટેલ (સરપંચ, માણેકપોર ગામ)
શું હતો મામલો ? મળતી માહિતી મુજબ એક જૂથ જૂની જગ્યા એટલે કે હાલ જ્યાં કચેરી ગામતળમાં છે ત્યાં જ નવી કચેરીનું બાંધકામ કરવા રજૂઆત કરે છે. તો બીજું જૂથ હાલની કચેરીવાળી જગ્યા ઓછી પડતી હોય અન્ય જગ્યાએ બાંધકામ કરવા માટેની રજૂઆત કરે છે. આ મુદ્દે બંને જૂથ સામસામે આવી જતા વાતાવરણ તંગ થયું હતું. ગ્રામ પંચાયત કચેરી બહાર બે ટોળા વચ્ચે ઉગ્ર બોલાચાલી વચ્ચે બંને પક્ષે સામસામે ખુરશી ઉછળવા સાથે ધક્કામુક્કી થતા તાત્કાલિક પોલીસ બોલાવવામાં આવી હતી.
અંત ભલા તો સબ ભલા : ઉલ્લેખનિય છે કે, માણેકપોરમાં ગ્રામ પંચાયતની નવી કચેરીના બાંધકામ માટે જરૂરી ગ્રાન્ટ પણ મંજૂર થઈ હતી. પરંતુ બાંધકામની જગ્યા નક્કી કરવા મુદ્દે ચાલી રહેલી ખેંચતાણમાં નવી કચેરીનું બાંધકામ ટલ્લે ચઢ્યું હતું. આ વિવાદને લઈને ગ્રામસભા ઉગ્ર બની હતી. જોકે બાદમાં કેટલાકની મધ્યસ્થી બાદ સહી ઝુંબેશ ચલાવી જૂની જગ્યાએ જ કચેરીનું બાંધકામ કરવાનું નક્કી કરી મામલો થાળે પાડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.