નવસારી : દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકોમાં અવ્વલ નવસારી જિલ્લામાં ચીકુનું મબલખ ઉત્પાદન થાય છે. અહીંના ચીકુ અમલસાડ સહકારી મંડળી મારફતે ભારતના અલગ-અલગ રાજ્યોમાં પહોંચે છે. માર્ચ-એપ્રિલ ચીકુની પીક સીઝન હોય છે. પરંતુ કોરોના મહામારીમાં લોકોને બચાવવા ભારત સરકારે દેશને સંપૂર્ણ તાળાબંધી કરતા તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટ બંધ થયા હતા. જેને કારણે રોજના અંદાજે 100 ટ્રકો ભરીને ચીકુ એકસપોર્ટ થતા બંધ થવાને કારણે કરોડોનો વ્યવસાય અટકતા ખેડૂતો સાથે જ વેપારીઓની હાલત પણ કફોડી બની હતી.
અમલસાડ મંડળીમાં ચીકુની હરાજી લોકડાઉન પૂર્વે ગત 22 માર્ચથી જ બંધ થઈ હતી. ત્યારથી 40 દિવસો ઉપર થવા છતાં ટ્રાન્સપોર્ટ બંધ રહેવાને કારણે ખેડૂતો તેમજ મંડળીને અંદાજે 15થી 20 કરોડ રૂપિયાનું નુકસાન આંકવામાં આવ્યું છે.
મંડળીમાં હરાજી શરૂ થતા મીઠા મધુરા અમલસાડી ચીકુ ટ્રક મારફતે મુંબઇ, દિલ્હી, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં મોકલવાની વ્યવસ્થા ગોઠવાઈ છે.
મોસમની માર, મજૂરોની અછત સાથે જ માખીનો ઉપદ્રવ અને રોગથી ખેડૂતોએ ચીકુને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સીઝનમાં જ કોરોનાના મહામારીએ ખેડૂતોની કમર તોડી નાખી છે. જેને કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન વેઠવુ પડ્યુ છે.
જોકે હવે કેરીની સીઝન પર ખેડૂતો આશા સેવી બેઠા છે. જેમાં કુદરત અને સરકાર બંને ધરતીપુત્રોનો સાથ આપે, એવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યા છે.