વડોદરા, અંકલેશ્વર અને સુરતમાં ગણેશ સ્થાપન માટે લાવવામાં આવતી ગણેશજીની પ્રતિમાઓની 12 ફૂટથી વધુ પડતી ઊંચાઈને કારણે સ્થાપના પહેલા તેને લઇ આવતી વખતે મંડળોના કાર્યકર્તાઓને અકસ્માતે વીજતાર સાથે પ્રતિમાઓ સંપર્કમાં આવતાં અકસ્માત સર્જાયો હતો. જેને કારણે બાપ્પાના ભક્તોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જે તકેદારીના ભાગ રૂપે મોતને ભેટેલા માસૂમ ભક્તોના જીવ ગુમાવ્યા બાદ તકેદારીરૂપે બીલીમોરા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નવસારી તેમજ બીલીમોરા શહેર વિસ્તારમાં આવેલ 160થી વધુ ગણેશ મંડળોને સાવચેતીના ભાગરૂપે નોટિસ પાઠવી હતી.
જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગણેશોત્સવના તહેવાર વખતે ભારે દબાણ કે હળવા દબાણની વીજ લાઈનની નીચે અથવા નજીકથી પસાર થતી વખતે વીજ કંપનીને જાણ કરવી તથા વીજલાઈનથી સલામત અંતર રાખવું. તેમજ વિસર્જન રોડ ઉપર મૂર્તિને ટ્રક, ટ્રેક્ટર કે ટેમ્પોમાં લઈ જતી વખતે વીજલાઈન અડી ન જાય તે માટે સાવધાની રાખવા જણાવવામાં આવ્યું છે. સ્થાપના માટે પોલીસ તરફથી કોઈ વહીવટી મંજૂરી આપવામાં આવી હોય તો તેની નકલ કચેરીને આપવા જણાવ્યું હતું. તથા ઉત્સવ દરમિયાન કોઈ વીજ અકસ્માત ન થાય તેની તકેદારી રાખવા નોટીસમાં જણાવવામાં આવ્યું છે.
સુરત અંકલેશ્વર અને વડોદરાના થયેલા અકસ્માત બાદ તકેદારીના ભાગરૂપે પ્રતિમાઓને લઈને કોઈ વીજ અકસ્માત ન થાય અને કોઈનો મૂલ્યવાન જીવ ના જાય તે માટે વીજ કંપનીએ તકેદારીરૂપે 160થી વધુ મંડળોને નોટિસ આપી સાવચેતીથી અને તકેદારીથી આ ઉત્સવ ઉજવવા અપીલ કરી હતી. જો કે આમ જોઇએ તો જીઈબીના પોતાના વિજતારો પણ ખુબ નીચે નમેલા જોવા મળે છે. તો તે અંગે જીઈબી તરફથી કોઈ યોગ્ય વ્યવસ્થા કરી. તેને યોગ્ય ઊંચાઈ પર લઈ જવામાં આવે તો અકસ્માતો નિવારી શકાય તેમ છે.