- સુરતથી ગ્રાહકો મળતા નવસારીના મૂર્તિ વેપારીઓમાં ખુશી
- ગત બે વર્ષો કરતા આ વર્ષે શ્રીજી પ્રતિમાના સારા વેચાણની વેપારીઓને આશા
- નવસારીમાં માટી સાથે જ POP પ્રતિમાઓનું પણ ધૂમ વેચાણ
- સુરતમાં ગણેશ સ્થાપન માટે લોકોમાં ઉમંગ
નવસારી: ગણેશોત્સવને હવે થોડા દિવસો બચ્યા છે. સરકારે મોડે મોડે 4 ફૂટની શ્રીજી પ્રતિમાના સ્થાપનની મંજૂરી આપતા ગણેશભક્તોમાં ખુશી જોવા મળી છે. ભક્તો દ્વારા ગણેશોત્સવની તૈયારી આરંભી છે પણ કોરોનાને કારણે વધેલી મોંઘવારીની અસર ગણેશોત્સવ પર જોવા મળી છે. ગણેશ મંડળોના બજેટ ઘટ્યા છે. તો માટીની પ્રતિમાનો ભાવ વધુ હોવાથી શ્રીજી ભક્તો POP ની પ્રતિમા માટી કરતા સસ્તી પડતી હોવાથી એના તરફ વળ્યા છે. જેને કારણે નવસારીમાં મોટી સંખ્યામાં POP પ્રતિમા લઈ વેપારીઓ પહોંચ્યા છે. બીજી તરફ સુરતમાં POP પ્રતિમાના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ હોવાની ચર્ચામેં કારણે શ્રીજી ભક્તોએ નવસારીની વાટ પકડી છે. નવસારીના મૂર્તિ બજારમાં નવસારી કરતા સુરતના ભક્તો મોટી સંખ્યામાં માટી કે POP પ્રતિમા લેવા આવી રહ્યા છે. જોકે ગણેશ ભક્તો સુરતમાં ગણેશોત્સવનો ક્રેઝ વધ્યો છે. જેથી જોઈએ એવી ગણેશ પ્રતિમા મળતી નથી. જેથી નવસારીમાં માટીની સારી પ્રતિમા મળી રહે એવી આશાએ આવ્યા હોવાનું જણાવી રહ્યા છે.
સુરતના શ્રીજી ભક્તો નવસારીમાં પ્રતિમા લેવા આવતા વેપારીઓના ચહેરા ખીલ્યા
કોરોનાનો ઓછાયો ગણેશોત્સવ પર જોવાઇ રહ્યો છે પરંતુ શ્રીજીને આવકારવા ભક્તોમાં ઉમંગ અને ઉત્સાહ છે. બીજી તરફ વિઘ્નહર્તાના આગમનથી કોરોનાથી છૂટકારો મળશેની ભાવના પણ ભક્તોમાં વધી છે. જેને કારણે છેલ્લા દિવસોમાં ગણેશ પ્રતિમાઓનું વેચાણ પણ વધ્યુ છે પરંતુ સુરતમાં POP પ્રતિમાના વેચાણ પર પ્રતિબંધ હોવાથી ભક્તો નવસારીથી પ્રતિમા ખરીદી રહ્યા છે. જેને કારણે નવસારીના વેપારીઓને ફાયદો થયો છે. જેઓ ગત બે વર્ષ કરતા આ વર્ષે સારો વેપાર થવાની આશા સેવી રહ્યા છે.

POP પ્રતિમાના વિસર્જન માટે તંત્રએ પૂરતી તૈયારી કરવી રહી
કોરોનાની ત્રીજી લહેરના આગમનની આશંકા વચ્ચે લોકો ધૂમધામથી ગણેશોત્સવ ઉજવવાની તૈયારીમાં પડ્યા છે. જેને કારણે મુશ્કેલી વેઠીને પ્રતિમા લાવનારા વેપારીઓમાં ખુશી છે. જોકે POP ની ગણેશ પ્રતિમાઓના સ્થાપન બાદ વિસર્જન માટે તંત્રએ પણ પૂરતી તૈયારી કરવી રહી.
