- રબારી સમાજના 1500 લોકોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગેવાનોને કરી રજૂઆત
- વોર્ડ નંબર 8માં ઉમેદવારી નોંધાવનારા ત્રણમાંથી એકને ટિકિટની માંગણી
- ચૂંટણી નજીક આવતા જ જાતિગત સમીકરણ જોવા મંળ્યુ
નવસારી: નવસારી-વિજલપોર નગરપાલિકામાં ચૂંટણી જંગ લડવા ઇચ્છતા ભાજપના 221 કાર્યકર્તાઓએ નિરિક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી છે, પરંતુ સેન્સ લેવાયા બાદ ભાજપમાં જાતિગત સમીકરણ જોવા મળ્યુ છે. જેમાં આજે રવિવારે નવસારીના રબારી સમાજના અંદાજે 1500 લોકોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી, તેમના સમાજને પાલિકામાં પ્રતિનિધિત્વ મળે એવી આગેવાનો સમક્ષ માંગણી ઉચ્ચારી હતી. જેમાં પણ વોર્ડ નંબર 8માં ત્રણ રબારીઓએ ઉમેદવારી નોંધાવી છે. જેમાંથી કોઈપણ એકને ટિકિટ આપવાની માંગણી કરતાં જિલ્લા ભાજપે તેમની લાગણી પ્રદેશમાં મોકલવાની ખાત્રી આપી છે.
શક્તિ પ્રદર્શન થકી રબારી સમાજે પોતાના ઉમેદવાર માટે માંગી ટિકિટ
હદ વિસ્તરણ બાદ નવસારીમાં વિજલપોર અને 8 ગામડાઓ જોડાતાં ભાજપમાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. પાલિકાની 52 બેઠકો માટે 221 લોકોએ દાવેદારી કરતા કોની પસંદગી કરવી એ પણ મોવડી મંડળ માટે મુશ્કેલી રૂપ બન્યું છે, ત્યારે ટિકિટ વાંચ્છુઓએ પણ જોર લગાવ્યુ છે. જેમાં આજે રવિવારે નવસારીમાં અંદાજે 10 હજારની વસ્તી ધરાવતા રબારી સમાજે પાલિકામાં તેમના સમાજને પ્રતિનિધિત્વ મળે તેવી માગ સાથે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોર્ચો માંડ્યો હતો. જ્યાં અંદાજે 1500 લોકો પહોંચ્યા હતા. જેમણે જણાવ્યું કે, નવા સિમાંકન બાદ અસ્તિત્વમાં આવેલા વોર્ડ નંબર 8માં રબારી સમાજની 4 હજારની વસ્તી છે. જેમાં 2200 મતદારો છે, જેથી ચુંટણીમાં દાવેદારી કરનારા સમાજના ભરત રબારી, અમરત રબારી અને બાબા આલમાંથી કોઈપણ એકને ટિકિટ ફાળવાવા માગ કરી હતી.
રબારી સમાજની માંગણી પ્રદેશમાં પહોંચાડવાની અપાઇ ખાત્રી
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે રવિવારે નવસારીના પ્રભારી પ્રધાન ઈશ્વર પરમાર સહિત ભાજપના ત્રણેય ધારાસભ્યો સાથે હાજર હતા, ત્યારે અચાનક મોટી સંખ્યામાં આવી પડેલા રબારી સમાજ અને તેમના આગેવાનોની રજૂઆતો સાંભળ્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે તેમની લાગણીને પ્રદેશ ભાજપ મોવડી મંડળ સુધી પહોંચાડવાની ખાત્રી આપી હતી.