નવસારી: LCB પોલીસે મળેલી બાતમીના આધારે આંતર જિલ્લા ઘરફોડ ચોરી કરતી ગેંગના 8 શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે શખ્સો પાસેથી ચોરીના સાધનો તેમજ સોના-ચાંદીના દાગીના સહિત 6 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ચોરીના બનાવો વધતાં કાર્યવાહી: છેલ્લા કેટલાક સમયથી નવસારી જિલ્લાના વિજલપુર, જલાલપુર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા હતા. તે દરમિયાન નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા આ પ્રકારના બનાવોના આરોપીઓને ઝડપી પાડવામાં માટેની સુચના અને માર્ગદર્શન અપાયા બાદ નવસારી LCBની ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ મારફતે કામગીરી શરૂ કરી હતી.
બાતમીના આધારે ધરપકડ: તે દરમિયાન મળેલી બાતમી અનુસાર દાહોદ જિલ્લાની ઘરફોડ ચોરી કરતી ચડ્ડી બનીયાનધારી ગેંગના માણસો નવસારી જિલ્લામાં ચોરી કરવાના ઈરાદાથી જલાલપુર વિસ્તારની આજુબાજુની સોસાયટીઓમાં ફરી રહેલ છે. આ બાતમીના આધારે નવસારી એલસીબીની ટીમે અવધ નહેર પાસે આવેલ સડક ફળિયા પાછળ નહેરની ખુલ્લી જગ્યામાં બેઠેલા આઠ જેટલા શખ્સોને ચોરીના સાધનો સહિત સોના ચાંદીના દાગીના સહિત ઝડપી પાડ્યા હતા.
શખ્સોની કડક પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ જલાલપુર વિસ્તારમાં ચોરી કરવા આવ્યા છે અને અગાઉ નવસારી જિલ્લામાં છ થી સાત જેટલી અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરીઓ કરેલ છે. મળતી માહિતી મુજબ આ તમામ આરોપીઓ દાહોદ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેમાંનો એક નરેશ શાંતુ ડામોર નવસારીના ગ્રીડ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર સામે આવેલ પ્રમુખ સોસાયટીમાં હસમુખભાઈ પટેલના મકાનમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે.
આરોપી સામે કાર્યવાહી: આરોપીઓએ ભરૂચ, વલસાડ અને આણંદ જિલ્લામાં પણ ચોરીઓ કરેલ છે. નવસારી એલસીબીની ટીમે ચોરી કરવા માટે વપરાતા ટુવાલો, બુકાનીઓ, પક્કડ અને સોના-ચાંદીના દાગીના, મોબાઇલ ફોન તેમજ રોકડ સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.