નવસારી : ગુજરાતના દરિયાકાંઠે સંભવિત બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને લઈને તમામ બંદરો પર બે નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. વાવાઝોડાના સંભવિત નુકસાન અટકાવવા માટે નવસારી તંત્રની ગતિવિધિ જોવા મળી રહી છે. ત્યારે નવસારી જિલ્લા તંત્ર દ્વારા પણ સંભવિત વાવાઝોડાને લઈને કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તેને લઈને તકેદારી રાખવામાં આવી રહી છે.
દરિયા કિનારે સેલ્ફીની ઘેલછા : જોકે પવનની ગતિ વધતાં ગરમીથી અકળાયેલા લોકો ઉભરાટ દરિયા કિનારે ફરવા આવેલા લોકોની મોટી સંખ્યા જોવા મળી રહી છે. બિપરજોય વાવાઝોડાની અસર નવસારીમાં પણ થવાની છે ત્યારે ત્યારે દરિયાકાંઠે લોકોને ન જવા માટેની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવેલી છે. તેમ છતાં કેટલાક બેજવાબદાર સહેલાણીઓ દરિયા કિનારે પહોંચી સેલ્ફી લેવાની સાથે દરિયામાં નહવાની મજા માણી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
હું પ્રાઇવેટ કંપનીમાં કામ કરું છું તેથી આજે મારી રજા હોઇ હું મારા ફેમિલી જોડે ઉભરાટના દરિયા કિનારે ફરવા માટે ગયો હતો. પરંતુ મને એ વાતનો બિલકુલ ખ્યાલ ન હતો કે વાવાઝોડાની પગલે દરિયાઈ પટ્ટી પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ સ્થાનિક લોકોથી મને આ જાણકારી મળતા હું ત્યાંથી પરત થઈ ગયો હતો... હર્ષલ સીમપી (સહેલાણી)
બિપોરજોયને લઇ તંત્ર એલર્ટ હોવાન દાવા :ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. જેથી સંભવિત વાવાઝોડાને લઈને અગમચેતીના ભાગરૂપે ગુજરાતના તમામ દરિયા કિનારાઓ પર વાવાઝોડાની શક્યતાને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈ નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કિનારા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
નફિકરા સહેલાણીઓ : નવસારી જિલ્લાના ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં લોકોને પણ દરિયાકિનારે ન જવા માટે અપીલ કરાઇ છે. સહેલાણીઓ માટે પણ દરિયાકિનારે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ નવસારીના જાણીતા સી બીચ ઉભરાટ દરિયા કિનારે આજે સવારે મોટી સંખ્યામાં સહેલાણીઓ બીચ કિનારે ફરતા હોય તેવું જોવા મળ્યું હતું. સાથે આ સહેલાણીઓ બિપરજોય વાવાઝોડાની કોઈપણ પ્રકારની ગંભીરતા ધ્યાને ન લેતા હોય તેમ દરિયા કિનારે પહોંચી સેલ્ફી લેતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતાં. તો બીજી તરફ કેટલાક સાહસપ્રિય સહેલાણીઓ દરિયામાં સ્નાન કરતાં હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયાં હતાં.