નવસારી: ગુજરાત આખાને કોરોનાએ પોતાની ઝપેટમાં લીધું છે. જેમાં બીજા લોકડાઉનના અંતિમ ભાગમાં નવસારી જિલ્લામાં પણ 21 એપ્રિલના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ એક પછી એક 8 લોકો કોરોના સંક્રમિત થયા હતા, જેમાં ત્રણ મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થયો હતો. જોકે તમામ કોરોના પોઝિટિવ દર્દીઓના બીજો અને ત્રીજો રીપોર્ટ નેગેટીવ આવતા તેમને રજા આપવામાં આવી હતી.
નવસારીના જલાલપોર તાલુકાના કડોલી ગામના વાતા ફળિયાના 34 વર્ષીય હરદીપ કપલેટીયા જે સુરત એસએમસીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે, જે કોરોના પોઝિટિવ આવતા નવસારીની કોવીડ 19 સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં નિયમાનુસાર હરદીપનો બીજો અને ત્રીજો કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા આજે શનિવારે તેને રજા આપવામાં આવી છે. હરદીપને રજા આપતા સમયે હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફે તાળીઓ પાડી વધાવ્યા હતા. જયારે હરદીપે પણ ડોકટર અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
અંતિમ કોરોના દર્દી હરદીપને રજા આપતા, નવસારીના તમામ આઠેય કોરોના દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, જેથી નવસારી જિલ્લો કોરોના મુક્ત બન્યો છે. જયારે હાલ ઓરેન્જ ઝોનમાં રહેલા નવસારી જિલ્લાને ગ્રીન ઝોનમાં આવવાની શક્યતા વધી છે.