નવસારી: ભારત કોરોના વાઈરસ નામના રાક્ષસને પછાડવા એકજૂટ થઇને લોકડાઉનનું ચુસ્તતાથી પાલન કરી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં સફળતા મળી રહી હોવાના સંકેતો સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. પરંતુ આ સમય દરમિયાન ઘરે બેઠા બેઠા લોકો સોશિયલ મીડિયા પર વધુ એક્ટીવ રહેતા થયા છે.
આ એક્ટિવ લોકોમાં ઘણા કોરોના વાઈરસ સામે જાગૃતતા ફેલાવતા મેસેજો કરી લોકોને લોકડાઉન દરમિયાન પોતાની અને પરિવારની સુરક્ષા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો હોક્કસ સમુદાયો કે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાય એવા મેસેજ પણ વાઈરલ કરી રહ્યા છે. જેને લોકો સમજ્યા વિચાર્યા વગર જ વ્હોટ્સ એપ, ફેસબુક સહીતની સોશિયલ મીડિયા સાઈટ્સ પર ફોરવર્ડ કરી દે છે, જેને કારણે ઘણા લોકોની લાગણી પણ દુભાય છે.
આવા મેસેજોને વચ્ચે પણ સમાજમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે, એ હેતુથી નવસારી જિલ્લા પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જેમાં નવસારીના દશેરા ટેકરી ન્યૂઝ નામના વ્હોટ્સ એપ ગૃપમાં નવસારીના કબીલપોર ગામના વૃદ્ધ રતિલાલ પટેલ અને દશેરા ટેકરી વિસ્તારમાં જ રહેતા ઉમાકાંત રાઠોડે ચોક્કસ સમૂદાય દ્વારા કોરોના ફેલાવવામાં આવી રહ્યો હોવાનો મેસેજ કર્યો હતો.
આ અંતર્ગત નવસારી ટાઉન પોલીસે રતિલાલ પટેલ અને ઉમાકાંત રાઠોડની જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી જેલની હવા ખવડાવી હતી. જોકે, એક દિવસ જેલની હવા ખાધા બાદ પોલીસે બંનેને જામીન પર છોડી મુક્યા હતા. આ સાથે જ લોકો કોરોના મુદ્દે ખોટી અફવા ફેલાવતા મેસેજો ન કરે એવી અપીલ પણ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે.