નવસારી: જિલ્લામાં કોરોનાએ પ્રવેશ કર્યાના અઠવાડિયા બાદ ચીખલી તાલુકાના ત્રણ ગામોના ત્રણ વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું. જેમાં ચીખલીના ટાંકલ ગામની 29 વર્ષીય યુવતનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે નર્સ તરીકે ફરજ બજાવતી હતી અને હાલમાં મેટરનીટી લીવ પર હતી. જેને નવમો મહિનો ચાલતો હતો અને તેને 3 મેની તારીખ આપવામાં આવી હતી.
આ દરમિયાન તે કોરોના પોઝિટિવ આવતા નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે સવારે તેને પ્રસવ પીડા ઉપાડતા તેને નવસારી સિવિલ હોસ્પિટલમાંથી નવસારીની અન્ય કોવિડ-19 યશફીન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સિઝેરિયન દ્વારા તેણે બાળકને જન્મ આપ્યો હતો. તેણે એક સ્વસ્થ બાળકને જન્મ આપતા તેના પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી.
તે કોરોના પોઝિટિવ હોવાથી તેના નવજાત બાળકનો પણ કોરોનાનો સેમ્પલ લેવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ શનિવારે આવશે. જો કે, બાળકના જન્મ બાદ તે અને તેનું બાળક બંને સ્વસ્થ હોવાથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.