નવસારી : કોરોના મહામારી જાહેર થયા બાદ ભારત સરકારે જાહેર કરેલા લોકડાઉનને બે મહિના વીત્યા છે. પરંતુ લાંબા લોકડાઉનમાં બંધ રહેલા ઉદ્યોગ, વેપાર અને ધંધાને કારણે ગરીબો બાદ મધ્યમ વર્ગીય પરિવારોની આર્થિક સ્થિતિ વિકટ બની છે. નોકરી પર ઘર ચલાવતા મધ્યમ વર્ગીય પરિવારોને વેરા, બિલ, હપ્તા ભરવા સાથે જ ઘર ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જેને ધ્યાને લઇ મંગળવારે નવસારી કોંગ્રેસ દ્વારા નવસારી જિલ્લા અધિક કલેક્ટર કમલેશ રાઠોડને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જેમાં તેમણે કોરોના કાળમાં આર્થિક તંગી સહન કરી રહેલા મધ્યમ વર્ગીય પરિવારોને રાહત મળી રહે એ માટે, વીજ બિલ તેમજ પ્રથમ સત્રની સ્કુલ ફી માફ કરવાની માંગ કરી હતી. સાથે જ ખેડૂતોએ ખેતી માટે લીધેલા ધિરાણના હપ્તામાં રાહત આપવાની માંગણી પણ કરી હતી. કોંગ્રેસીઓના આવેદનપત્રને સ્વીકાર્યા બાદ જિલ્લા અધિક કલેક્ટરે તેમની રજૂઆતને સરકારમાં પહોંચાડવાનું આશ્વાસન આપ્યું હતું.