- ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાના ખેડૂતોને મોટુ નુકસાન
- રાહત પેકેજમાં જલાલપોરનો સમાવેશ થતાં ખેડૂતોમાં આક્રોશ
- નવસારી કિસાન કોંગ્રેસ દ્વારા નવસારી અધિક કલેક્ટરને આવેદનપત્ર
નવસારી : જિલ્લામાં મોટાભાગની ખેતી ચોમાસા પર આધારિત છે. પરંતુ ચોમાસામાં વરસાદ ઓછો પડે કે, અતિવૃષ્ટિ થાય તો ખેડૂતે આર્થિક નુકશાની વેઠવાનો વારો આવે છે. આ વર્ષે પણ ચોમાસામાં વરસેલા વધુ વરસાદને કારણે નવસારી જિલ્લાના 6 તાલુકાઓના ખેડૂતોને ડાંગર, શાકભાજી અને બાગાયતી પાકોમાં નુકસાની વેઠવી પડી હતી. જેના માટે ખેડૂતોએ સરકાર દ્વારા આર્થિક સહાય જાહેર થાય, એવી રજૂઆતો પણ કરી હતી. જેને ધ્યાને લઇ ગુજરાત સરકારે ખેડૂતોની વાત સાંભળી અને કરોડો રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું,
અન્ય 5 તાલુકાના ખેડૂતોને પણ સહાય મળે તેવી ખેડૂતોની માંગ
જ્યારે નવસારી જિલ્લામાં ફક્ત જલાલપોર તાલુકાના ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાનમાં સહાય મળવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના ખેડૂતોને ચોમાસામાં વધુ વરસાદને કારણે ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે થવા છતાં સહાય ના મળવાની વાતે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે. ખેડૂતોને થયેલા અન્યાય મુદ્દે નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા નવસારી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી, જલાલપોર સાથે જ જિલ્લાના બાકીના પાંચેય તાલુકાના ખેડૂતોને થયેલી નુકશાની સામે સહાય ચુકવવામાં આવે એવી માંગણી સાથે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.
જિલ્લા અધિક કલેક્ટરે ખેડૂતોની રજૂઆત સરકારમાં પહોંચાડવાની આપી ખાતરી
આ સાથે જ સરકાર સહાય ન આપે, તો રસ્તા પર ઉતરી ગાંધી માર્ગે આંદોલન છેડવાની ચેતવણી આપી હતી. જ્યારે જિલ્લા અધિક કલેક્ટરે 33 ટકાના નિયમની વાત કરી, ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે. તેમજ ખેડૂતોની રજૂઆત સરકારમાં પહોંચાડવાની ખાતરી આપી હતી.