નવસારી: છેલ્લા થોડા વર્ષોથી બદલાતા મૌસમને કારણે ખેતી પ્રભાવિત થઈ રહી છે. ખાસ કરીને નહેર આધારિત ડાંગરની ખેતી કરતા નવસારીના ખેડૂતોને પાણીને લઇને મુશ્કેલી વેઠવી પડે છે. જો કે, આ વર્ષે સારા વરસાદે ડેમ ભરતા ખેડૂતોને સારા પાકની આશા બંધાઈ હતી. પરંતુ પાછોતરા વરસાદને કારણે ઉનાળુ ડાંગરની રોપણી મોડી થઈ હતી. હવે જ્યારે ડાંગર તૈયાર થઈ છે, ત્યારે કોરોનાને કારણે જાહેર થયેલા લોકડાઉનમાં મજૂરો પોતાના વતનમાં જતા રહેતા, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ખેડૂતો ડાંગ, તાપી, સુરત, વલસાડ જેવા પડોશી જિલ્લાઓમાંથી મજૂરો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ કોરોનાને કારણે મજૂરોને લાવવાના નિયમોને લઇ છેલ્લા થોડા દિવસોથી ખેડૂતો કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. જેને લઇને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
જેને કારણે ડાંગર પકવતા ખેડૂતો વહેલી તકે તૈયાર ડાંગર કાપી લેવા માંગે છે. પણ મજૂરોને લાવવામાં તેમના નામોની યાદી, આધારકાર્ડની કોપી જેવા નિયમોને કારણે મંજૂરી મેળવવામાં મોડુ થવાને કારણે ખેડૂતો સોનાના દિવસો ગુમાવી રહ્યા હોવાનો અનુભવ કરી રહ્યા છે. આ સાથે જ અતિવર્ષમાં સરકારે આપેલી રાહતને યાદ કરી હમણાં પણ ડાંગરના ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરે એવી આશા સેવી રહ્યા છે.