- સુરતમાં બોગસ દસ્તાવેજોને આધારે મેળવ્યો ખેડૂત હોવાનો દાખલો
- અંદાજે 500 કરોડ રૂપિયાની જમીનો ખરીદાઈ હોવાનો આરોપ
- સુરતની જમીન પચાવવા મામલે નોંધાઇ ફરિયાદ
નવસારીઃ જિલ્લાના જલાલપોર પોલીસ મથકમાં બોગસ ખેડૂત અંગેની ફરિયાદ સાચી ઠરી છે. જેમાં અંદાજે 500 કરોડની જમીનો ખરીદી હોવાની બહાર આવ્યું છે, ત્યારે સુરતના પોદ્દાર બંધુઓના વિવાદમાં નવસારીના 11 ગામોમાં બોગસ ખેડૂતના દસ્તાવેજોને આધારે લેવાયેલી જમીન કૌભાંડમાં 11 આરોપીઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.
આ પણ વાંચોઃ સુરત જિલ્લામાં મેઘરાજા રુઠતા ખરીફ પાકના વાવેતરમાં ધરખમ ઘટાડો, ખેડૂતોની ચિંતા વધી
લાલપોર પોલીસ મથકે 11 લોકો સામે નોંધાયો છેતરપીંડીનો ગુનો
દક્ષિણ ગુજરાતમાં સોનાની લગડી સમાન જમીનોને બોગસ દસ્તાવેજોના આધારે વેચી કાઢવાનું કે કરોડોની જમીન ઓછા રૂપિયામાં પડાવી લેવાની ઘણી ફરિયાદો થતી હોઇ છે. જેમાં ખોટા દસ્તાવેજોને આધારે પરપ્રાંતિય પોદ્દાર પરિવારે ખેડૂત બન્યા બાદ સુરત તેમજ નવસારી જિલ્લામાં કરોડો રૂપિયાની જમીનો ખરીદી હોવાની ફરિયાદ સામે આવી છે. સુરતના વિમલ પોદ્દારે જલાલપોર પોલીસ મથકે કરેલી ફરિયાદમાં તેમના ભાઈ બાલકિશન પોદ્દારના પુત્ર સંજય પોદ્દારે વર્ષ 1998 માં ગુજરાતના ખેડૂત ન હોવા છતાં ધાનેરા મામલતદારનો બોગસ સ્ટેમ્પ બનાવી, તેના દ્વારા બોગસ ખેડૂત હોવાનો દાખલો બનાવ્યો હતો. બાદમાં તેને ખરા તરીકે ઉપયોગ કરી પરિવારના સભ્યોના નામે સુરત તેમજ નવસારીમાં અલગ-અલગ સ્થળોએ કરોડોની જમીન ખરીદી હતી.
સુરત કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપ્યા
સુરતમાં બોગસ જમીન સરમુખત્યારનામાને આધારે પચાવી પાડવાના વિવાદમાં ઉક્ત હકીકત ધ્યાને આવતા સંજય પોદ્દારના કાકા વિમલ પોદ્દારે સુરત કલેક્ટરમાં અરજી કરતા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં બોગસ ખેડૂત બની કરોડોની જમીનો ખરીદી હોવાનું ધ્યાને આવતા, પોલીસે સુરતના વિમલ પોદ્દારની અરજીને આધારે ભાઈ બાલકિશન પોદ્દાર, ભત્રીજા સંજય પોદ્દાર, તેમના પરિવારજનો સહિત કુલ 11 લોકો સામે જલાલપોર પોલીસ મથકમાં અંદાજે 500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડની ફરિયાદ નોંધી તપાસને વેગ આપ્યો છે.
આ પણ વાંચોઃ Bogus Doctor - 221 બોગસ તબીબ ઝડપાયા, ગુજરાત પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત
આ આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ
સુરતના ઉમરા સ્થિત રાજશૈલી રેસિડેન્સીમાં રહેતા બાલકિશન ટોરમલ પોદ્દાર, પ્રેમલતા બાલકિશન પોદ્દાર, સંજય બાલકિશન પોદ્દાર, સુનિતા બાલકિશન પોદ્દાર, અનિતા બાલકિશન પોદ્દાર અને સુરતના પીપલોદ સ્થિત 4 સિઝન એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશ બાલકિશન પોદ્દાર તેમજ સુરતના વેસુ-ભરથાણા સ્થિત સેલેસ્ટ્રીયલ ડ્રિમ્સમાં રહેતા રમેશ રામગોપાલ અગ્રવાલ, શ્રવણકુમાર રામગોપાલ અગ્રવાલ, કમલકિશોર રામગોપાલ અગ્રવાલ અને મુરારીલાલ રામગોપાલ અગ્રવાલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
કૌભાંડીઓને પકડવા પોલીસની નિષ્પક્ષ તપાસ જરૂરી
કૌભાંડીઓને પકડવા પોલીસની નિષ્પક્ષ તપાસ જરૂરી છે, ત્યારે પરિવારમાં મનભેદને કારણે મૂળ રાજસ્થાની પરિવારે ગુજરાતના ખેડૂત ન હોવા છતાં બોગસ દસ્તાવેજોને આધારે ખેડૂત બની નવસારીના જલાલપોર તાલુકાના 11 ગામડાઓમાં અંદાજે 500 કરોડની જમીનો ખરીદી નવસારીના ઇતિહાસનું મોટુ કૌભાંડ આચર્યાનું ચર્ચાએ ચઢ્યું છે. જેથી સમગ્ર મુદ્દે પોલીસ નિષ્પક્ષ તપાસ મહત્વની રહેશે.