- કોટેજ હોસ્પિટલ શરૂ થતા આદિવાસીઓને ઘર આંગણે મળશે આરોગ્ય સેવા
- ઓક્સિજન સાથે જ વેન્ટિલેટરની સુવિધા પણ ઉપલબ્ધ
- કોરોનાના સતત વધી રહેલા કેસને લઈ વધુ બેડની કરાઈ માગ
નવસારીઃ જિલ્લામાં સતત વધતા કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલોમાં જગ્યા નથી. ત્યારે જિલ્લાના સરહદી તાલુકા વાંસદામાં કોરોના સંક્રમણ વધતા આદિવાસીઓની સ્થિતિ કફોડી બની હતી.
નવા મકાનમાં ઓક્સિજન બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ
કોટેજ હોસ્પિટલમાં પણ અપુરતી સુવિધાઓને કારણે આદિવાસી કોરોના દર્દીઓને નવસારી, વલસાડ, સુરત સિવિલ હોસ્પિટલો પર આધાર રાખવો પડતો હોય છે. અંદાજે 18 કરોડ રૂપિયાના ખર્ચે બનનારી 60 બેડની વાંસદા કોટેજ હોસ્પિટલનુ નવું મકાન બે વર્ષ પૂર્વે તૈયાર થયુ હતું, પણ હોસ્પિટલ શરૂ થઇ શકી ન હતી. જેને શરૂ કરવામાં પણ તંત્રએ દિવસો વિતાવ્યા અને એપ્રિલના અંતમાં નવા મકાનમાં ઓક્સિજન બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચોઃ નવસારીની ઓક્સિજનની સમસ્યા થઈ હળવી, જિલ્લાને બે દિવસથી મળી રહ્યો છે પૂરતો ઓક્સિજન
સાંસદની 18 લાખની ગ્રાંટમાંથી 1000 લિટરના બે પોટ્રા ટેન્ક પણ વસાવી લેવામાં આવ્યાં
જેમાં સાંસદની 18 લાખની ગ્રાંટમાંથી 1000 લિટરના બે પોટ્રા ટેન્ક પણ વસાવી લેવામાં આવ્યાં છે. જેની સાથે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેથી વાંસદાના આદિવાસીઓને હવે ઘર આંગણે કોરોનાની સારવાર મળી રહેશે.
લીમઝર PHC ખાતે પણ 28 બેડનું કોવિડ સેન્ટર શરૂ
વાંસદા તાલુકાના 95 ગામોમાં દિવસે દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેને ધ્યાને લઈને વાંસદા કોટેજ હોસ્પિટલની સાથે લીમઝર PHC ખાતે પણ 28 બેડ સાથે કોવિડ સેન્ટર શરૂ કરાયું છે. પરંતુ હોસ્પિટલ અને CHCમાં દિવસેને દિવસે કોરોના દર્દીઓની વધતી સંખ્યા સામે તંત્રએ વાંસદામાં બેડની સંખ્યા વધારવી પડશે તેમજ ઓક્સિજન, વેન્ટિલેટર તથા પુરતા પ્રમાણમાં દવાનો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે.