- પૂર્ણાં નદીના બ્રિજ પર મહારાષ્ટ્રની બસ અને મોપેડ વચ્ચે અકસ્માત
- અકસ્માતમાં ઇજાગ્રસ્ત માતા-પુત્રીમાંથી માતાનું થયુ હતુ મોત
- આરોપી બસ ચાલકના જામીન મંજૂર
નવસારી : નવસારી-બારડોલી રોડ પર ગુરૂકુળ સુપા ગામ નજીક પૂર્ણા નદીના બ્રિજ પર મહારાષ્ટ્રની ST બસ અને મોપેડ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં માતા-પુત્રીમાંથી માતાનું મોત થયુ હતુ, જ્યારે પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માત સર્જ્યા બાદ ગ્રામ્ય પોલીસ મથકે હાજર થયો હતો. જેણે સોમવારે સવારે ગાઢ ધુમ્મસ હોવાને કારણે અકસ્માત થયો હોવાનું નિવેદન પોલીસને આપ્યુ હતુ. જોકે પોલીસે કાર્યવાહી બાદ આરોપી બસ ચાલક જામીન પર છૂટ્યો હતો.
સારવાર દરમિયાન ધર્મિષ્ઠાબેનનું મોત થયું હતું
નવસારીના પેરા ગામે રહેતા ધર્મિષ્ઠા પટેલ સોમવારે વહેલી સવારે તેમની પુત્રી દ્રષ્ટિને મોપેડ પર નવસારીની અગ્રવાલ કોલેજ મૂકવા નીકળ્યા હતા. જે દરમિયાન નવસારી-બારડોલી રોડ પર ગુરૂકુળ સુપા ગામ નજીક આવેલ પૂર્ણાં નદી પરથી પસાર થતી વેળાએ અચાનક સામેથી આવતી વાપી-ધૂળે ST બસ સાથે અથડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ માતા-પુત્રી બન્નેને ગંભીરાવસ્થામાં નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ધર્મિષ્ઠાનું મોત થયું હતું.
આ પણ વાંચો - જામનગરના જાંબુડા પાટિયા પાસે ટ્રિપલ અકસ્માતમાં 6 વ્યક્તિ ઈજાગ્રસ્ત
બસ ચાલકે સ્વબચાવમાં ગાઢ ધુમ્મસનો લીધો સહારો
બસ ચાલક તથા મહારાષ્ટ્રના ધૂળે જિલ્લાના સાકરી તાલુકાના સકારે ગામે રહેતા અનિલ રમેશ બાગુલ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે હાજર થયો હતો. સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આરોપી અનિલ બાગુલની પૂછપરછ કરી હતી. જેમાં અનિલે સવારે ગાઢ ધુમ્મસ હોવાથી પુલ પાસે તેને ડિપર લાઈટ મારી હતી, પણ એ પૂર્વે જ મોપેડ તેની બસ સાથે અથડાયું હોવાની કેફિયત રજૂ કરી હતી. જેથી પોલીસે આરોપી અનિલનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી હતી. જો કે, ગુનો જામીનપાત્ર હોવાથી આરોપી બસ ચાલક અનિલ બાગુલ જામીન પર છૂટી ગયો હતો.
જાણો શું છે સમગ્ર ઘટના
નવસારીના ગુરૂકુળ સુપા બ્રિજ પર એસટી બસ અને મોપેડનો અકસ્માત,મહિલાનું મોત
નવસારી-બારડોલી રોડ પર ગુરૂકુળ સુપા નજીક પૂર્ણા નદીના પુલ પર આજે વહેલી સવારે મહારાષ્ટ્રની એસટી બસ અને મોપેડ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડચાલક માતાપુત્રી ગંભીર રીતે ઘવાતાં તેમને તાત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ટૂંકી સારવાર બાદ માતાનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે બસમાં સવાર 30 પ્રવાસીઓના જીવ બચ્યાં હતાં. અકસ્માત સર્જનાર બસચાલક નવસારી ગ્રામ્ય પોલીસ મથકે હાજર થયો હતો. ઉલ્લેખનીય છે કે બસચાલક ઓવરટેક કરવાની લાહ્યમાં હોવાનું પ્રાથમિક અનુમાન લોકો લગાવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ કોડીનાર નજીક ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાતા 10 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત
ગોઝારા અકસ્માતમાં માથામાં પહેરેલા હેલમેટના પણ થયાં ટુકડા
નવસારી તાલુકાના પેરા ગામે દેસાઈવાડમાં રહેતાં ધર્મિષ્ઠાબેન કિશોર પટેલ (42) પોતાની પુત્રી દ્રષ્ટિ (21)ને મોપેડ પર અગ્રવાલ કોલેજ મૂકવા જઈ રહ્યાં હતાં. દરમિયાન નવસારી-બારડોલી રોડ પર ગુરૂકુળ સુપા નજીકના પૂર્ણાં નદીના પુલ પરથી પસાર થતી વેળાએ અચાનક સામેથી પૂરઝડપે આવતી મહારાષ્ટ્ર માર્ગ પરિવહન નિગમની નવસારી-ધૂળે એસટી બસ સાથે ધડાકાભેર ભટકાયાં હતાં. આ ગોઝારા અકસ્માતમાં બસમાં મોટો ગોબો પડ્યો હતો, જ્યારે મોપેડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મોપેડચાલક ધર્મિષ્ઠાબેને પહેરેલા હેલમેટના પણ ટુકડા થયાં હતાં. અકસ્માતને લઈ નજીકના ગ્રામજનો તેમજ રાહદારીઓએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત માતાપુત્રીને તાત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યા ટૂંકી સારવાર બાદ માતા ધર્મિષ્ઠાબેન પટેલનું કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર બસમાં 30 પ્રવાસીઓ સવાર હતાં, જેમના પણ જીવ ટાળવે ચોંટી ગયાં હતાં, પણ તેમના જીવ બચી જવા પામ્યાં હતાં. જો ચૂક થાત તો બસ 30 ફુટ નીચે ખાબકત અને 5 ફેબ્રુઆરી, 2016ની ઘટના ફરી સર્જાત એવી ચર્ચાઓ જાગી હતી. જોકે અકસ્માત બાદ બસચાલક નવસારી ગ્રામ્ય પોલીસમથકે હાજર થઈ ગયો હતો. સમગ્ર મામલે નવસારી ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પિતા બાદ માતાએ પણ જીવ ગુમાવતાં ભાઈબહેન બન્યાં નિરાધાર
નવસારીના પેરા ગામના ધર્મિષ્ઠા પટેલના પતિ કિશોરભાઈએ થોડા વર્ષો અગાઉ પૂર્ણા નદીમાં મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું. પતિના ગયા બાદ પુત્રી દ્રષ્ટિ અને પુત્ર રાજ તેમજ વૃદ્ધ સાસુસસરાની સંભાળ ધર્મિષ્ઠાબેન રાખતાં હતાં. પરંતુ આજે ગુરૂકુળ સુપા નજીક પૂર્ણાંના બ્રિજ પર બસ સાથેના અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ધર્મિષ્ઠાબેનનું મોત થયું હતું. જ્યારે એમની પુત્રી દ્રષ્ટિ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હોસ્પિટલના બિછાને છે. ત્યારે પિતા બાદ માતાની છત્રછાયા ગુમાવતાં પુત્ર અને પુત્રી નોંધારા બનતાં ગામમાં શોકની કાલિમા છવાઈ હતી.
2016ની બસ દુર્ઘટનાની યાદ તાજી થઈ
નવસારી-બારડોલી રોડ પર ગુરૂકુળ સુપા ગામ નજીકના પૂર્ણા નદીના પુલ પરથી 5 ફેબ્રુઆરી, 2016ની સાંજે નવસારીથી ઉકાઈ જઇ રહેલી એસટી બસ 30 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 42થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં હતાં. આજે પણ મહારાષ્ટ્રની એસટી બસમાં 30 પ્રવાસીઓ સવાર હતાં. જો અકસ્માતમાં ચાલક કાબૂ ગુમાવત, તો પુલની તૂટેલી રેલિંગ પરથી બસ નદીમાં ખાબકવાની સંભાવના વધી ગઈ હતી. જેથી આજની ઘટનાએ 2016ની બસ દુર્ઘટનાની યાદ તાજી કરાવી હતી.