- નવસારીના 500થી વધુ બિલ્ડરો એક દિવસની પ્રતિક હડતાળ પર
- જિલ્લાની 100થી વધુ બાંધકામ સાઇટ્સ રહી બંધ
- બિલ્ડરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભાવ વધારો ખેંચવાની માંગ
નવસારી: લોકડાઉનમાં પડી ભાંગેલો બાંધકામ ઉદ્યોગ જેમ-તેમ આગળ ધપી રહ્યો છે. ત્યારે સ્ટીલ અને સિમેન્ટમાં કૃત્રિમ ભાવ વધારાના આક્ષેપો સાથે નવસારી ક્રેડાઈના બિલ્ડરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ભાવ વધારાને કારણે બિલ્ડરોની સ્થિતિ કફોડી થવાની ચિંતા સાથે સરકાર ભાવ વધારાને કંટ્રોલ કરવા કમિટી બનાવે એવી માંગણી કરવામાં આવી હતી.
ભાવ વધારા પર સરકારનો અંકુશ હોય એવી માગ
નવસારી ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશનના પ્રમુખ ભરત સુખડીયાની આગેવાનીમાં નવસારી જિલ્લાના બિલ્ડરોએ સ્ટીલ અને સિમેન્ટના કૃત્રિમ ભાવ વધારા સામે વિરોધ નોંધાવી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. બિલ્ડરોએ જણાવ્યું હતું કે, જેમ તેમ બાંધકામ ઉદ્યોગ શરૂ થઈ શક્યો છે. જેમાં સ્ટીલ, સિમેન્ટ, ડામર, ડિઝલ તથા અન્ય બિલ્ડીંગ મટેરિયલ્સના ભાવો વધતા બિલ્ડરો મુશ્કેલીમાં મૂકાયા છે. બુકિંગ સામે ભાવ વધારો અસહ્ય સાબિત થઈ રહ્યો છે. બીજી તરફ કંપનીઓ દ્વારા કૃત્રિમ રીતે ભાવ વધારો કરવામાં આવ્યો છે, જે યોગ્ય નથી. જેથી સરકારનું સૌને વ્યાજબી ભાવે ઘર આપવાનું સપનું પૂર્ણ નહીં થઈ શકે. સરકાર આ મુદ્દે ભાવ વધારા પર કંટ્રોલ રાખવા કમિટી બનાવે એવી માંગણી સાથે જિલ્લા ઇન્ચાર્જ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ બિલ્ડરોની માંગણી સરકાર સુધી પહોંચે એવી આશા સાથે જ પાલિકાઓ દ્વારા જુની ઇમારતોમાં ફાયર સેફટી નહીં હોવાથી એપાર્ટમેન્ટના રહિશોને નહીં, પણ બિલ્ડરોને નોટિસ અપાતી હોવા સામે પણ વિરોધ નોંધાવી આવેદન આપ્યું હતું.