નવસારી: નવસારી નજીકે આવેલી અને છેલ્લા થોડા મહિનાઓથી વિવાદોમાં રહેતી વિજલપોર નગરપાલિકાનું વર્ષ 2020-21નું ૧૯૪.૧૩ કરોડ રૂપિયાનું જંગી બજેટ પાલિકાના બાગી નગર સેવકોની મંજૂરી સાથે સર્વાનુંમાંતીએ મંજૂર થતા પાલિકામાં ખુશીની લહેર જોવા મળી હતી. જો કે બજેટ સભામાં વિપક્ષી નેતાએ પાલિકાનું બજેટ નહીં પણ વોર્ડ બજેટ રજૂ કરવાની માંગણી કરતા કૌતુક સર્જાયું હતું.
વિજલપોર નગરપાલિકામાં મંગળવારે સાંજે પોલીસ પ્રોટેક્શન સાથે પાલિકાના કોમ્યુનીટી હોલમાં પાલિકા પ્રમુખ જગદીશ મોદીની અધ્યક્ષતામાં બજેટ સભા મળી હતી. સભામાં કારોબારી અધ્યક્ષ દશરથ પટેલે વર્ષ 2020-21નું આવક કરતા સરકારી ગ્રાન્ટ આધારિત જંગી બજેટ રજૂ કર્યું હતું. વિજલપોર પાલિકાનું કુલ બજેટ ૧૯૪.૧૩ રૂપિયાનુ જંગી બજેટ રજૂ કરાયું હતું. જેમાં બાંધકામ વિભાગને 83.02 કરોડ, વોટર વર્કસ વિભાગને 11.63 કરોડ, ડ્રેનેજ વિભાગને 5.65 કરોડ, સેનીટેશન અને આરોગ્ય વિભાગને 8.02 કરોડ, લાઇટ વિભાગ 95.22 લાખ, ફાયર વિભાગને 29.62 લાખ અને ગાર્ડન વિભાગને 6.33 કરોડ રૂપિયાના કામો સહિતની ફાળવણી કરવામાં આવી છે.
વિપક્ષી સભ્યની માંગણી સામે પ્રમુખ જગદીશ મોદીએ બજેટ વોર્ડ મુજબ નથી હોતુ, બજેટ વિજલપોર શહેરનું હોય છે. કોઇપણ વોર્ડમાં કોઇપણ કામ બાકી હોય તો જણાવો, આ બજેટમાં તમામના વિકાસલક્ષી કામો કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું.
વિજલપોર પાલિકામાં યોજાયેલી બજેટ સભામાં હાલમાં ફેલાયેલા કોરોના વાઇરસની ઈફેક્ટ જોવા મળી હતી. પાલિકાના વિપક્ષી નેતા ગંગાધર શુક્લા, બાગી નગરસેવકો અને ઉપ પ્રમુખ મોઢે માસ્ક પહેરી આવ્યા હતા અને સભા ચાલી ત્યાં સુધી માસ્ક પહેરેલા રાખ્યા હતા. સભા પુરી થયા બાદ તમામે માસ્ક કાઢી નાંખ્યા હતા.