સોલધરા ગામે આવેલા ઇકો પોઇન્ટ મામાના ઘરે સર્જાઇ કરૂણાંતિકા
બોટ પર એકી સાથે 23 લોકો બેસતા ઓવરલોડને કારણે બોટ પલટી હોવાનું પ્રાથમિક તારણ
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સંચાલકની શરૂ કરી પૂછપરછ
નવસારી: નવસારીના ચીખલીના સોલધરા ગામે ઇકો પોઇન્ટ પર રવિવારે ફરવા આવેલા અમદાવાદ અને સુરતના પરિવારની ખુશી ગમમાં પલટાઇ હતી. મામાના ઘરે આવેલ પરિવાર માછલા ઉછેરના તળાવમાં બોટીંગ માટે જતી વખતે બંને પરિવારો મળી કુલ 23 સભ્યો બોટ પર સવાર થતા. ઓવરલોડ થવાને કારણે બોટ કિનારે જ પલટી ગઈ હતી. આ કરુણાંતિકામાં ત્રણ બાળકીઓ સહિત 5 લોકોના ડૂબી જવાથી મોત થયા હતાં. જયારે 18 લોકોને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઓવરલોડ થતા બોટ પલટી
ચીખલી તાલુકાના સોલધરા ગામે વિકસેલા મામાનું ઘર ઇકો પોઇન્ટ પર અમદાવાદનો સોની પરિવાર અને સુરતનો કિનખાબવાલા પરિવાર આનંદ-પ્રમોદ માટે આવ્યો હતો. ઇકો પોઇન્ટ પર ફર્યા બાદ બંને પરિવાર માછલા ઉછેરના તળાવમાં બોટીંગની મજા માણવા ગયા હતા. સોની પરિવારના 8 સભ્યો અને બચકાનીવાલા પરિવારના 14 સભ્યો પીપળા પર પાટિયા મુકીને બનાવેલી બોટ પર 23 સભ્યો સવાર થયા હતા. પરંતુ બોટ ઓવરલોડ થતા એક તરફ નમવા લાગી હતી અને અચાનક પલટી મારી જતા બોટમાં સવાર તમામ તળાવમાં પડ્યા હતા અને ચીખાચીખ શરૂ થઇ હતી. આ આ ઘટનાની જાણ થતા જ સંચાલક સહિત ગામના લોકો તળાવે દોડી ગયા હતા અને ડૂબતા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાની જાણ થતા જ ચીખલી પોલીસ સહિત બીલીમોરા અને ગણદેવી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરના જવાનો તેમજ સ્થાનિક તરવૈયાઓએ તરત જ બચાવ કામીગીરી હાથ ધરી હતી. જેમાંથી 20 લોકોને તળાવમાંથી બહાર કાઢી 108 એમ્બુલન્સ મારફતે ચીખલીની ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જયારે એક બાળકી સહિત ત્રણના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ સારવાર દરમિયાન પણ 2ના મોત થતા આંકડો 5 પર પહોંચ્યો છે. ઘટનાને પગલે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિતના આગેવાનો ધટના સ્થળે પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.