- જિલ્લા ભાજપ પ્રમુખ સાથે ઉમેદવારો કમળ લઈ પ્રાંત કચેરીએ પહોંચ્યા
- કમળ લઈ આવેલા ઉમેદવારો રહ્યા આકર્ષણનું કેન્દ્ર
- નવસારી-વિજલપોર પાલિકાના મોટાભાગના ભાજપી ઉમેદવારોએ ભર્યાં ફોર્મ
નવસારી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પોતાના મહારથીઓના નામો જાહેર કર્યા બાદ વિજયમુર્હતમાં ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત કરી હતી. નવસારી-વિજલપોર નગરપાલિકાના 13 વોર્ડમાં ભાજપે 52 ઉમેદવારો જાહેર કર્યા છે. જે તમામે એક સાથે ફોર્મ ભર્યાં હતા. જેમાં વોર્ડ નંબર 13ના ભાજપી ઉમેદવારો પ્રીતિ અમીન, જાગૃતિ શેઠ, પ્રશાંત દેસાઈ અને વિજય રાઠોડ પોતાના સમર્થકો સાથે ઉમેદવારીપત્ર ભરવાની તૈયારી કરી હતી. જે પાલિકાની તમામ 52 બેઠકો જીતવાના વિશ્વાસના પ્રતીકરૂપે 52 કમળો લઇ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની આગેવાનીમાં નવસારી પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. 52 કમળો સાથે પહોંચેલા ઉમેદવારો, પ્રાંત કચેરી સ્થિત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
જિલ્લા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ જીતવાનો વિશ્વાસ
ભાજપી ઉમેદવારોને 52 કમળો સાથે જોઈ જિલ્લા ભાજપ પ્રમુખે તેમને ઉત્સાહ સાથે શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ નવસારી જિલ્લાની જિલ્લા, તાલુકા પંચાયતો અને બન્ને નગરપાલિકાઓમાં કમળ ખિલવવા સાથે જ નવસારીને કોંગ્રેસ મુક્ત બનાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.