- નવસારી અને વિજલપોર પાલિકાના બજેટમાં લેવાતા કામો જ ચૂંટણી ઢંઢેરામાં નવી રીતે મુકાયા
- ભાજપ ચૂંટણી જીતી સત્તા સંભાળે તો શહેર વિકાસની ગાડીને વેગ આપવાની જાહેરાત
- શહેરની પાણી સમસ્યાના નિવારણ માટે પૂર્ણા નદી પર વિયર કમ કોઝવે અથવા ટાઈડલ ડેમ બાંધવાનું આયોજન
નવસારી: નવસારી-વિજલપોર નગરપાલિકાની ચૂંટણીને હવે અઠવાડિયુ બાકી રહ્યું છે, ત્યારે મતદારોને રીઝવવા ભાજપે પાલિકાની સત્તા મળે તો શહેર વિકાસની ગાડીને વેગ આપવાની જાહેરાત ચૂંટણી ઢંઢેરામાં કરી છે. જો કે, ભાજપ દ્વારા આજે રવિવારે જાહેર કરાયેલો ચૂંટણી ઢંઢેરો જુની નવસારી અને વિજલપોર પાલિકાના બજેટ જેવો જ જણાયો હતો. વિકાસના નામે ભાજપે પાલિકાની 52 બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
વિસ્તાર પામેલા શહેરમાં સસ્તું ટ્રાન્સપોર્ટેશન, સિટી બસની વાત ભુલાઈ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે શહેરીજનો સાથે જ મતદારોને આકર્ષવા રાજકીય પક્ષો સત્તા મળશે તો શહેર વિકાસનો રોડ મેપ રજૂ કરતા હોય છે. નવસારી-વિજલપોર શહેર ભાજપ દ્વારા પણ આજે રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ગત વર્ષોમાં નવસારી નગરપાલિકાનું બજેટ 300 કરોડ સુધી પહોંચ્યું હતું અને જેમાં નવસારીને પેરીસ બનાવવાના સપના સાથે વિવિધ યોજનાઓ મુકાતી રહી છે. જેને પૂર્ણ કરવામાં પાલિકા કયાંક ધીમી અથવા નિષ્ફળ રહી હતી. એ જ બધા વિકાસ કાર્યોને નવી ડિઝાઇન સાથે આજે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં પૂર્ણ કરવાના સપનાઓ મતદારો સમક્ષ મુક્યા છે. જેમાં વિસ્તરણ પામેલા શહેરમાં સસ્તું ટ્રાન્સપોર્ટેશન સિટી બસની વાત ઢંઢેરા બહાર રહી હતી.
ડિજિટલ ભારતનું સપનું સાકાર કરવા સુવિધાઓ ઘર સુધી પહોંચાડવા મોબાઈલ એપની જાહેરાત
નવસારી-વિજલપોર ભાજપ દ્વારા શહેરની મુખ્ય પાણી સમસ્યાના સમાધાન માટે ફિલ્ટરેશન પ્લાન્ટ વિકસાવવા સાથે પૂર્ણાં નદી પર વિયર કમ કોઝવે અથવા ટાઈડલ ડેમ બાંધવાનું સપનું દેખાડ્યું છે. આ સાથે જ પાલિકાની તમામ સુવિધાઓ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવી, શહેરીજનો આંગળીના ટેરવે સુવિધાઓ મેળવી શકે તેમજ સમસ્યાઓ કે ફરિયાદ કરી શકે એ હેતુથી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ પૂર્ણાં નદી પર રિવરફ્રન્ટ તેમજ શહેરમાં હવાનું પ્રદુષણ ન થાય એના માટે પણ ફોકસ કરાયું હતું, જ્યારે રખડતા ઢોર મુદ્દે ભાજપીઓ કોઈ નક્કર વિઝન બનાવી શક્યા નથી. હજી પણ સરકારમાંથી જગ્યા મેળવવાના પ્રયાસોની જ વાતો ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવી છે.
શહેરમાં જોડાયેલા ગામડાઓને નલ સે જલ યોજના સાકાર થાય ત્યાં સુધી વેરામાં રાહત
નવસારી નગરપાલિકામાં વિજલપોર પાલિકા સહિત આસપાસના વિરાવળ, કલિયાવાડી, કબીલપોર, ચોવીસી, તીઘરા, જમાલપોર, ઇટાળવા અને છાપરા ગ્રામપંચાયતોને જોડીને નવસારી-વિજલપોર પાલિકા બનાવાઈ છે. 8 ગામડાઓનો શહેરમાં સમાવેશ થતા વેરા વધવાની લોકોને ચિંતા છે, પરંતુ જો ભાજપ સત્તા પર આવશે તો જ્યાં સુધી નલ સે જલ યોજના સાકાર નહીં થાય, ત્યાં સુધી ગ્રામ પંચાયતોના વિસ્તારમાં ઘરવેરો નહીં વધારવાની જાહેરાત કરી છે.