- જિલ્લા પોલીસે ગાર્ડ ઓફ ઑનર સાથે કર્યું સ્વાગત
- ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ નવસારી પોલીસ અધિકારીઓ સાથે કરી બેઠક
- જિલ્લામાં ગુનાખોરીની સ્થિતિ અંગે કરી સમીક્ષા
નવસારી : નવસારી જિલ્લામાં વધતી વસતી સાથે ગુનાખોરી પણ વધી છે. જેને ડામવા માટે નવસારી જિલ્લા પોલીસ સતત પ્રયાસો કરી રહી છે, ત્યારે નવસારીમાં ભળેલા વિજલપોર શહેરને તેમજ ઝડપથી વિકસી રહેલા બીલીમોરા શહેરને PI કક્ષાના પોલીસ મથક બનાવવાની જાહેરાત આજે નવસારી જિલ્લા પોલીસ વિભાગની સમીક્ષા માટે આવેલા ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કરી હતી. આ બેઠકમાં સુરત રેન્જના એડીજી રાજકુમાર પાંડિયન તેમજ નવસારી, ગણદેવીના ધારાસભ્ય તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે
ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. જેમાં તેઓ આજે સવારે વલસાડ જિલ્લાની સમીક્ષા કર્યા બાદ બપોરે નવસારી પહોંચ્યા હતા. નવસારી પહોંચતા જ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ગૃહ રાજ્ય પ્રધાનનું ગાર્ડ ઑફ ઑનર સાથે સ્વાગત કરાયું હતુ.
જિલ્લામાં ગુનાખોરી અંગે સમીક્ષા બેઠક કરી હતી
જિલ્લા ભાજપના પદાધિકારીઓ તેમજ ધારાસભ્યોએ પણ ગૃહ રાજ્ય પ્રધાનને આવકાર્યા હતા. આગેવાનો સાથે મુલાકાત બાદ ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સુરત રેન્જના એડીજી રાજકુમાર પાંડિયન, નવસારીના જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય, જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે જિલ્લામાં ગુનાખોરી અંગે સમીક્ષા બેઠક કરી હતી.
પોલીસ અધિક્ષકે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપી જિલ્લાની માહિતી
પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયએ તેમને જિલ્લાની સરહદો તેમજ પોલીસ મથકોની માહિતી આપવા સાથે જિલ્લામાં કાયદા વ્યવસ્થા જાળવવા પોલીસની સ્ટ્રેન્થ વધારવા તેમજ પોલીસ મથકોને અપગ્રેડ કરવાની જરૂરિયાત જણાવી હતી. સાથે જ જિલ્લા પોલીસે ગુનાખોરીને ડામવા માટે કરેલી કામગીરીની પણ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી હતી.
પોલીસ માથકને PSI કક્ષાએથી PI કક્ષાના બનાવવાની કરી હતી જાહેરાત
ગૃહ રાજ્ય પ્રધાને પોલીસની કામગીરી સામે સંતોષ વ્યક્ત કરી, નવસારીના વિજલપોર અને બીલીમોરા બે પોલીસ મથકને PSI કક્ષાએથી PI કક્ષાના બનાવવાની જાહેરાત કરી હતી. સાથે જિલ્લા પોલીસની સ્ટ્રેન્થ વધારવા તરફ પણ તેમણે ઈશારો કર્યો હતો. સાથે જ ગૌ-તસ્કરી રોકવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યુ હતુ.
જમીન પચાવી પાડવાના ગુનાઓ રોકવામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ પ્રભાવી
મહીસાગર જિલ્લામાં પકડાયેલા ગર્ભપાતના મોટા રેકેટ મુદ્દે ગૃહ રાજ્ય પ્રધાને તેમની પાસે માહિતી ન હોવાથી, પ્રતિક્રિયા આપી ન હતી. સાથે જ દક્ષિણ ગુજરાતમાં બોગસ દસ્તાવેજના આધારે કરોડો રૂપિયાની જમીનોના કૌભાંડ મુદ્દે પ્રદીપસિંહ જાડેજાએ લેન્ડ ગ્રેબિંગ એક્ટની વાત કરી, એના સારા પરિણામો મળી રહ્યા હોવાના તથા મુખ્ય પ્રધાન કક્ષાએથી રિવ્યુ પણ લેવાતા હોવાનું જણાવ્યુ હતુ.