નવસારી: રાજ્યમાં ચોમાસુ બારણે ઉભું છે, જો કે હવામાન વિભાગે 6 જૂન બાદ ચોમાસાના આરંભની આગાહી કરી હતી. આ દરમિયાન અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે નિસર્ગ વાવાઝોડુ સર્જાયું છે. જેને કારણે સોમવારે વહેલી સવારથી જ નવસારીમાં વરસાદી માહોલ બન્યો હતો. જેમાં ભારે પવનો સાથે ઘનઘોર વાદળો છવાયા હતા અને શહેરમાં વરસાદી અમી છાંટણા વરસ્યા હતા. જે દરમિયાન શહેરના ઉત્તરી પ્રવેશદ્વાર પાર આવેલી ટાટા સ્કૂલ પાસેના નવસારી-સુરત મુખ્ય માર્ગના ત્રીભેટે ભુવો પડ્યો હતો.
જે જોત-જોતામાં મોટો થતા ટ્રાફિક પોલીસે રસ્તો મોટા વાહનો માટે બંધ કર્યો હતો. સાથે જ નવસારી નગર પાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા તાત્કાલિક ભુવાને તપાસતા રસ્તો નીચેથી પોલો હોવા સાથે જ ડ્રેનેજ લાઈનમાં ભંગાણ જણાયું હતું. જેથી જેસીબી મશીન સહિત પાણી ખેંચવાના મશીન તેમજ શ્રમિકોની મદદથી ડ્રેનેજ લાઈનનો ફોલ્ટ શોધી સમારકામ આરંભ્યું છે. પાલિકાએ ભુવાનું સમારકામ યુદ્ધના ધોરણે કરી મોડી રાત સુધીમાં પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું છે, પણ સ્થળ સ્થિતિ જોતા મંગળવારે પણ સુરત-નવસારી માર્ગ બંધ રહે એવી શક્યતા સેવાઈ રહી છે.