- 13 હત્યારાઓ પૈકી મુખ્ય આરોપી સહિત 6ની ધરપકડ
- મૃતક નિમેશને બોલાવી હુમલો કરાવનાર પદો હજી પણ ફરાર
- પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી
નવસારી: બીલીમોરાની તીસરી ગલી અને આંતલિયા ગામની ગેંગ વચ્ચે વર્ષોથી ચાલતી અદાવતમાં ગત રવિવારે રાતે ખેલાયેલા ખુની ખેલમાં આંતલિયાના સરપંચના પુત્ર નિમેશની હત્યા પ્રકરણમાં નવસારી LCBએ 13 હત્યારાઓ પૈકી મુખ્ય આરોપીઓ સહિત 6ની ધરપકડ કરી છે. જ્યારે મૃતકને બોલાવનાર પદો સહિતના 7 આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: નવસારીમાં 1.27 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે એક પકડાયો
પકડાયેલા તમામ આરોપીઓ રીઢા ગુનેગારો
બીલીમોરા રેલવે સ્ટેશનની નજીકની તીસરી ગલી અસામાજિક તત્વોથી પંકાયેલી છે. ગલીના આમીન શેખ તેમજ તેની ટોળકી અને આંતલિયાના નિમેષની તેમજ તેની ટોળકી સાથે વર્ષોથી માથાકૂટ ચાલતી હતી. જેમાં બંને પક્ષે જે હાથમાં આવે એને માર મારવાની ઘટનાઓ અગાઉ થતી રહી છે અને સમાધાન પણ થતા રહ્યા છે. દરમિયાન, આંતલિયાના સરપંચના પુત્ર નિમેશ પટેલની ટોળકીના મનોજ ઉર્ફે પદો પાટીલને કોઈક વાતે પોતાના ગૃપ સાથે જ વાંધો પડતા મનોજ વિભીષણ બની આમીન સાથે મળી ગયો હતો. પરંતુ નિમેશ અને તેના ગૃપને એનો અંદાજો ન હતો. ગત રવિવારે સાંજે મનોજે નિમેશને રેલવે સ્ટેશને બોલાવ્યો હતો અને ત્યાં આમીન શેખ, માઝ શેખ તેમજ અન્ય સાથીઓ ઘાત લગાવીને બેઠા હતા. નિમેષ આવતા જ તેના ઉપર ચપ્પુ અને હથિયારો સાથે હુમલો કરી તેનું ઢીમ ઢાળી દીધુ હતુ. ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે બીલીમોરામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને બીલીમોરા પોલીસ સહિત નવસારી LCB પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી.
આ પણ વાંચો: બીલીમોરામાં જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, આંતલિયાના યુવાનની હત્યા
LCBએ ત્રણ અલગ અલગ ટીમો બનાવી
LCB પોલીસે હત્યાના લાઈવ સીસીટીવી ફૂટેજ મેળવી તપાસને વેગ આપ્યો હતો. જેમાં તીસરી ગલીના બુટલેગર આશિષ ટંડેલને પોલીસે તેના ઘરેથી પકડ્યો હતો. જેને સાથે રાખી પોલીસે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સને આધારે અજય ઉર્ફે મક્કાઈ ઉર્ફે ડાંગી યાદવને ઉધના ડેપો અને મુખ્ય આરોપી એવા આમીન શેખ, માઝ શેખ, રોનક ઉર્ફે બોબડો પટેલ તેમજ ભૌતિક ઉર્ફે ભાવુ પટેલને પોલીસે બારડોલી બ્રિજ નજીકથી ધરપકડ કરી હતી. જ્યારે, નિમેષ સાથે ગદ્દારી કરનાર મનોજ ઉર્ફે પદો સહિત 7 આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસે પકડાયેલા આરોપીઓને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.