નવસારી : ગણદેવી તાલુકાનું સહકારી ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. અહીંયા ગામડાઓના આગેવાનો દ્વારા રાજકીય પક્ષોના વિચાર અને વાડાઓથી દૂર રહી સ્થાપેલી સહકારી સંસ્થાઓ આજે કરોડો રૂપિયાનું ઉત્પાદન અને વેચાણ કરી રહી છે. ત્યારે ઓક્ટોબર 1948 ના રોજ વિસ્તારના અનાવિલ અને પાટીદાર આગેવાનોના પ્રયાસોથી સ્થપાયેલી ગણદેવી તાલુકા સહકારી સંઘને 75 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે સંસ્થાનો અમૃત મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આજથી ગણદેવી અને આસપાસના વિસ્તારમાં શબ વાહિનીની નિ:શુલ્ક સેવા શરૂ કરવામાં આવી હતી.
સંસ્થાનો અમૃત મહોત્સવ : આ કાર્યક્રમમાં રાજ્યના પાણી પુરવઠાપ્રધાન કુંવરજી બાવળિયા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે કહ્યું હતું કે, રાજ્યની સહકારી સંસ્થાઓના આગેવાનો અને તેમના દ્વારા ખેડૂતો અને પશુપાલકોને સાંકળી સંસ્થા સહિત તેમના વિકાસ માટે સતત પ્રયત્નો કર્યા છે, જેના પરિણામો આજે જોવા મળી રહ્યા છે. ગુજરાતના સહકારી માળખાની તાકાત રાજ્યના બજેટ જેટલી હોવાનું જણાવી કેન્દ્ર સરકાર દ્વારા સહકાર મંત્રાલય બનાવી વિકાસની નવી કેડી કંડારવા ભાજપ પણ પ્રયત્નશીલ રહ્યું છે. સાથે જ ભારતમાં ગુજરાત સહકારી ક્ષેત્ર અગ્રેસર હોવાથી દીર્ઘદ્રષ્ટા આગેવાનોનો આભાર પણ માન્યો હતો.
75 વર્ષની વિકાસગાથા : આ અવસરે નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ તકે તેઓએ કહ્યું હતું કે, આ સંસ્થાએ સહકાર થકી વિકાસની કેડી કંડારી 75 વર્ષમાં 80 કરોડનું ટર્ન ઓવર કર્યું છે. ગણદેવી તાલુકા ખેડૂત સંઘ તેમજ રાજ્યની મુખ્ય 371 સહકારી સંસ્થાઓના આગેવાનોએ લોકોના લાભની ચિંતા કરીને રાજ્યના બજેટ જેટલી જ સક્ષમતા મેળવી હોવાનું જણાવી પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે સહકારી ક્ષેત્રના આગેવાનોની દીર્ઘદ્રષ્ટિને બિરદાવી હતી. ઉપરાંત ગત 3 વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યની 371 સહકારી સંસ્થાઓમાં ભાજપ સમર્પિત અગ્રણીઓ જીત્યા હોવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
ગણદેવી સહકારી સંઘ : ગણદેવી તાલુકા ખેડૂત સહકારી સંઘ વર્ષ 1948 માં ખેડૂતોના સહયોગ માટે શરૂ થઈ હતી. જેમાં પ્રારંભના વર્ષે 3157 રૂપિયાનું ફંડ હતું. પરંતુ વર્ષોના વિકાસ સાથે આજે ગણદેવી તાલુકા ખેડૂત સંઘ 80 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરતી સંસ્થા બની છે. ખેડૂતોના હિત માટે કાર્ય કરતી સંસ્થા હોવાથી ખેડૂતોને મદદરૂપ થવા સાથે જ તેમના ખેત ઉત્પાદનોને બજાર આપવા સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તાર માટે ડિપાર્ટમેન્ટલ સ્ટોર, પેટ્રોલ પંપ, ટ્રેકટરની એજન્સી સહિત અનેકવિધ વ્યાપારિક પ્રવૃત્તિઓ થકી સંસ્થાને શિખર પર પહોંચાડી છે. સામાજિક જવાબદારી પણ સંસ્થા વખતોવખત નિભાવતી આવી છે. સંસ્થાના પ્રમુખ ગોવિંદ પટેલે 75 વર્ષની વિકાસ ગાથા વર્ણવી હતી.