નવસારીઃ કોરોનાની જંગમાં જાહેર લોકડાઉનના દિવસોમાં રોજગારી બંધ થતા નવસારી જિલ્લામાં રીક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ વિકટ બની છે, જેને કારણે રોજનું કમાઈને ખાવાવાળા ઘણા રીક્ષાવાળાઓના પરિવારને ખાવાની તકલીફ શરૂ થઈ હતી. જેની જાણ રીક્ષા એસોશિએશન દ્વારા સામાજિક આગેવાનોને કરતા નવસારી આહીર સમાજે મદદનો હાથ લંબાવ્યો છે અને નવસારીના વિજલપોરના 200 રીક્ષાવાળાઓ માટે રાશન સહિતની કીટ તૈયાર કરી તેમના ઘરે ઘરે પહોંચાડી હતી.
કોરોનાની મહામારીને વધતી અટકાવવા ભારત સરકારે દેશમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ હતું. જેના કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મહત્વની એવી રીક્ષાઓના પૈન્ડાઓ પણ ઠંભી જતા રોજની ફેરી પર આધાર રાખતો રીક્ષાવાળો મુસીબતમાં મુકાયો હતો.
જેણે લોકડાઉનમાં રોજગારી વગર થોડા દિવસો તો કાઢ્યા પણ બાદમાં આર્થિક સંકડામણ ઉભી થવાથી રીક્ષાવાળાઓની ચિંતામાં વધારો થયો હતો. ખાવા-પીવાની મુશ્કેલી વધતા રીક્ષાવાળાઓએ પોતાના એસોશિએશનના આગેવાનોને રજૂઆતો કરી અને ત્યારબાદ એસોશિએશને પોતાના સાથીઓની વેદના સામાજિક આગેવાનોને વર્ણવી હતી.
જેને ધ્યાને લઈ નવસારી આહીર સમાજ દ્વારા વિજલપોર શહેરના 200 રીક્ષાવાળાઓ માટે જરૂરી રાશન કીટ તૈયાર કરી એસોશિએશનના આગેવાનોને આપી હતી. જે કીટો લીધા બાદ એસોશિએશને વિજલપોર શહેરમાં રહેતા જરૂરિયાતમંદ રીક્ષાવાળાને તેમના ઘરે ઘરે જઈને રાશન કીટ પહોંચાડી હતી.