નવસારીના સર્કિટ હાઉસ ખાતે કામ કરી રહેલા મજૂરોએ આજે સવારે 8 વાગ્યે એક દીપડાને જતાં જોઈને તેમના હોંશ ઉડી ગયા હતા. આ દીપડો સર્કિટ હાઉસની દીવાલ કૂદીને બાજુની સહયોગ સોસાયટીમાંથી અંતે ત્યાંથી પુષ્પક સોસાયટીમાંથી બામજી બિલ્ડીંગની પાછળ આવેલા ઝાડી ઝાંખરવાળા વાડામાં જઇને છુપાયો હતો અને બીજુ તરફ વનવિભાગને શહેરમાં દીપડો ફરી રહ્યો હોવાની જાણ થતાં તાત્કાલિક નવસારીના વાઇલ્ડ લાઈફ સાથે સંકળાયેલા એનજીઓના કાર્યકર્તાઓ સાથે બામજી બિલ્ડીંગના વાડામાં પહોંચ્યા હતા.
દીપડાને પકડવા જતાં તેણે એક સ્વયં સેવી પર હુમલો કરતાં તેના બંને હાથમાં ઇજા થતાં તેને તત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સાથે જ દીપડો અંદાજે 8 ફૂટ ઊંચી દીવાલ કૂદીને પુષ્પક સોસાયટીમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર નજીકના જૂનો કાટમાળ ભરેલા પત્રના શેડમાં છુપાયો હતો. જેને સામેના મકાનમાં રહેતા મૈસુરીયા પરિવારે જોતાં વન વિભાગને જાણ કરી હતી.
આ વન વિભાગની ટીમ પતરાના શેડ પાસે પહોંચ્યા બાદ દીપડાને નેટની જાળીથી કોર્ડન કરવામાં આવ્યો હતો. સાથે જ વન વિભાગના કર્મીઓ અને નવસારી એસઓજી પોલીસના જવાનોએ નવસારી કૃષિ યુનિવર્સિટીના વેટરનરી વિભાગના ડોક્ટરોને સાથે રાખી એરગનની મદદથી દીપડાને એનેસ્થેશિયાનું ઈંજેક્શન આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શેડમાં ઘણો કાટમાળ હોવાથી શક્ય બન્યું ન હતું. અને જેમાં ચાંન્સ મળતા જ દીપડો ત્યાંથી 8 ફૂટ ઊંચી દીવાલ કૂદીને ભાગી છૂટ્યો હતો.
ત્યાંથી ભાગ્યા બાદ દીપડો બામજી બિલ્ડીંગના વાડામાથી થઈ નવસારી એસપી કચેરી, એલસીબી કચેરી થઈ સબજેલમાં ઘૂસયો હતો. સબજેલમાંથી પણએની પાછળ લોકોની ભીડ હોવાથી ત્યાંથી પોલીસ લાઇનમાં ઘૂસીને બે જણાને ઘાયલ કર્યા હતા. આ દીપડો પોલીસ લાઇનના બી 4 એપાર્ટમેન્ટમાં ઘૂસી જતાં ત્યાં જાળથી તેને ઘેરવામાં આવ્યો હતો.
જ્યાં કૃષિ યુનિવરસીટીના વેટરનરી ડોક્ટર ઝાલાએ એરગનથી 2 વાર એનેસ્થેશિયાના ઈંજેક્શન માર્યા હતા. પરંતુ ગભરાયેલા અને ડિસ્ટર્બ થયેલો દીપડો બેહોશ ન થતાં ઘાતક થયો હતો. જોકે વન વિભાગ, પોલીસના અધિકારીઓ અને જવાનો તથા નવસારીની એનજીઓના સંયુક્ત પ્રયાસથી 12 કલાક બાદ રાતે 8 વાગ્યે દીપડો પાંજરે પુરાયો હતો. આ દીપડો પાંજરે પુરાયા બાદ એને સારવાર આપીને ડાંગના જંગલોમાં છોડવાની કાર્યવાહી હાથ ધરાશે.