- PSI કોકણી પોતાના ઘરે આવતા નવસારી પોલીસે કરી ધરપકડ
- અગાઉ ત્રણ આરોપીઓની થઇ ચુકી છે ધરપકડ, હજી બે આરોપી પોલીસ પકડથી દૂર
- સમગ્ર પ્રકરણમાં છઠ્ઠા આરોપીનું નામ હજી પણ અકબંધ
નવસારી : નવસારીના ચકચારિત અને રાજકિય રીતે પણ ખૂબ ગાજેલા ચીખલી કસ્ટોડિયલ હત્યા પ્રકરણના ચોથા આરોપી PSI ને નવસારી LCB પોલીસે બાતમીને આધારે ડાંગ તેમના ઘરેથી ધરપકડ કરી હતી. જોકે હજી આ પ્રકરણમાં બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, જેમાં પણ છઠ્ઠો આરોપી કોણ છે, એના નામનો ખુલાસો પણ પોલીસ કરી શકી નથી.
બે મહિનાની તપાસ અને આરોપીઓની ધરપકડ બાદ પણ પોલીસ ચૂપ
ચીખલી પોલીસ મથકમાં ગત તા.21 જુલાઈની વહેલી સવારે ડાંગના બે યુવાનો રવિ જાદવ અને સુનિલ પવારે એક જ વાયર પંખા સાથે બાંધી, તેના બે છેડા બંનેએ ગળે બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનામાં અઠવાડિયા બાદ મૃતક યુવાનોના પરિવારજનોની લેખિત ફરિયાદને જ જિલ્લા પોલીસે હત્યા અને એટ્રોસિટી સહિત વિવિધ કલમો લગાવી ચીખલી પોલીસ મથકના ચોપડે PI અજીતસિંહ વાળા, PSI એમ.બી.કોકણી, HC શક્તિસિંહ ઝાલા, PC રામજી યાદવ, PC રાજેન્દ્ર રાઠોડ અને અન્ય એક અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો.
પોલીસ મથકના PI અને PSI સહિત 6 સામે હત્યાનો ગુનો નોંધાયો
આ કેસની તપાસ SC/ST સેલના નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.ફળદુને સોંપી હતી. પોલીસ મથકના PI અને PSI સહિત 6 સામે હત્યાનો ગુનો નોંધાયાના બે મહિના બાદ અને આદિવાસી સમાજ અને કોંગી ધારાસભ્ય અનંત પટેલના આંદોલન બાદ પોલીસે મુખ્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ શુક્રવારે પોલીસે ચોથા આરોપી અને ચીખલીના તત્કાલિન PSI એમ.બી.કોકણીની ધરપકડ કરી છે. નવસારી LCB પોલીસે બાતમીને આધારે ડાંગના તેમના ઘરેથી PSI કોકણીની અટક કર્યા બાદ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેમની ધરપકડ કરી હતી. જ્યારે હજી પણ આ પ્રકરણમાં PC રાજેન્દ્ર રાઠોડ અને અન્ય એક બેનામ આરોપી પોલીસ પકડથી દૂર છે. જેમાં પણ આગાઉ પકડાયેલા મુખ્ય ત્રણ આરોપીઓ પાસેથી પોલીસ છઠ્ઠા આરોપીનું નામ કઢાવી શકી છે કે કેમ એનો હજી કોઈ ફોડ પાડ્યો નથી.
PSI કોકણી માનસિક રીતે પડી ભાંગ્યા હોવાની ચર્ચા
ચીખલી પોલીસ મથકમાં ડાંગના આદિવાસી યુવાનોની આત્મહત્યાની ઘટના અને બાદમાં હત્યાનો ગુનો નોંધાતા. ચીખલી પોલીસ મથકનાંજ અને કેસ સાથે સંકળાયેલા PSI એમ.બી.કોકણી સમગ્ર ઘટનાક્રમને લઈને ઘણા ડિસ્ટર્બ થયા હતા. જેની અસરથી PSI કોકણી માનસિક તણાવમાં સરી પડવા સાથે માનસિક રીતે ખૂબ ભાંગી પડ્યા હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે.
આ પણ વાંચો : વલસાડના ડુંગરીમાં સિગરેટની દોઢ કરોડ રૂપિયાની લૂંટના ત્રણ આરોપીઓને મધ્યપ્રદેશ માંથી ઝડપી પડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : બોટાદમાં દીવા તળે અંધારું, દેવગઢ બારિયાના પીપલોદ ગામમાં ભાજપના અગ્રણી ભરત ભરવાડના ઘરે 31.62 લાખ રૂપિયાની લૂંટ