નવસારી: ગુજરાતમાં ગુજરાત પરિવહન નિગમ એસટી બસ સામાન્ય મુસાફરને ઘણા જ સસ્તા ભાવે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતી હોય છે. જેમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસની સેવા ઘણી ફાયદાકારક સામાન્ય પ્રજા માટે નીવડે છે. જેથી રાજ્ય પરિવહન નિગમ દ્વારા એસટી અમારી સલામત સવારીનું સ્લોગન આપવામાં આવ્યું છે પરંતુ નવસારીના જ ચીખલી તાલુકાના ફડવેલ ગામે આ સ્લોગન ખોટું સાબિત થયું છે.
25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત: પીપલખેડ જઈ રહેલી એસટી બસ અને ઉમર કોઈથી વલસાડ તરફ જઈ રહેલી બંને એસટી બસો 25થી વધારે મુસાફરો લઈને ચીખલીના ફળવેલ માર્ગ પર ખુડવેલ ગામ નજીક આવતા વળાંક પર સામસામે ભટકાતા મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં પીપલખેડ જતી એસટી મીની બસના ચાલક વિજય નારાયણ આહીર અકસ્માતને પગલે ડ્રાઇવર કેબીનમાં ફસાઈ ગયા હતા. બસમાં બેસેલા મુસાફરો અને કંડકટર પણ ઘાયલ થયા હતા જેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે અને આલીપોર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બસ ડ્રાઇવરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત: સમગ્ર ઘટનાની જાણ એસટી નિગમના અધિકારીઓને થતા વલસાડ વિભાગીય કચેરીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી તરફ ચીખલી પોલીસને પણ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતને પગલે બસ ડ્રાઇવરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે સ્થાનિકો દ્વારા જે જગ્યાએ અકસ્માત સર્જાયો હતો. ત્યાં આમલીનું મોટું વૃક્ષ આવેલું છે. જે રસ્તા પર નડતર રૂપ હોય તેને કારણે બસનો અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવ્યું હતું.
બસ ડ્રાઇવરના પરિવારને સહાય આપવા માંગ: ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પણ ઘટના સ્થળની મુલાકાત લઈને ઘાયલોને મળવા માટે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ફરજ પરના ડોક્ટરો સાથે વિસ્તૃત ચર્ચા કરી યોગ્ય સારવાર કરવાની સૂચના આપી હતી. ખુડવેલમાં થયેલા ગુજારા અકસ્માતને લઈને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ ઘાયલોની મુલાકાત લઈને વ્યવસ્થિત સારવાર મળી રહે તે માટે ડોક્ટરો સાથે વિશેષ ચર્ચા કરી હતી. સાથે અકસ્માતમાં મૃત્યુ પામેલા બસ ડ્રાઇવરના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી.
" ચીખલીના ફડવેલ ખાતે જે અકસ્માત સર્જાયો છે. તેમાં એસટી બસ ક્ષતિગ્રસ્ત હતી. તેમ છતાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો. બીજી તરફ વળાંકમાં મોટા વૃક્ષને ઘણા સમયથી સરપંચ દ્વારા નડતરરૂપ હોય તેને કાપવાની પરવાનગી વનીકરણ વિભાગ પાસે માંગવામાં આવી હતી. જેના કારણે આ અકસ્માત થયો છે." - અનંત પટેલ, વાસદાના ધારાસભ્ય
એસટી વિભાગના અધિકારી જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ચીખલીના ફડવેલ ગામે અકસ્માતમાં અમારા બીલીમોરા ડેપોની બસ અને વલસાડ ડેપોની બસ સામસામે ભટકાઈ હતી. જેને લઇને ડ્રાઇવરનો મોત થયું છે તો 15થી 16 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. જેઓની સારવાર હાલ ચાલુ છે.