- મહામહિમ રાજ્યપાલને સંબોધી કપરાડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ
- મૃત્યુ પામેલા યુવાનોના પરિવારને યોગ્ય ન્યાય અને વળતર મળે તેવી કરવામાં આવી માગ
- આદિવાસી સમાજના બે યુવાનોના પોલીસ મથકમાં પંખા સાથે લટકેલા મૃતદેહ મળી આવ્યા હતા
નવસારી: 21 જુલાઇએ ચીખલી પોલીસ સ્ટેશન(Chikhli Police Station)માં સુનિલ પવાર અને રવિ જાદવ બન્નેને પોલીસે શંકાના આધારે પૂછપરછ માટે બેથી ત્રણ દિવસ પહેલા લઈ આવી હતી અને આ બન્ને યુવાનોએ પોલીસ મથકના રૂમમાં વાયર વડે પંખા સાથે લટકી આત્મહત્યા કરેલો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઇ હતી.
આ પણ વાંચો- ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથ મામલે ડાંગ જિલ્લો આજે બંધ
પોલીસ મથકના PSI સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે
આ સમગ્ર મામલો હાલ ભારે ચર્ચાનો અને તર્ક વિતર્કનો વિષય બન્યો છે અને આદીવાસી સમાજના લોકો આ સમગ્ર બાબતે આગળ આવી આવેદનપત્ર આપતા આ સમગ્ર બાબતે પોલીસ મથકના PSI સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. આ મૃતકના પરિવારોને ન્યાય મળે તે માટે વિવિધ સ્થળે આવેદનપત્ર આપવાનું જારી છે.
આદિવાસી સમાજના લોકોને બન્ને યુવાનોના મોત અંગે આજે પણ શંકા છે
ચીખલી પોલીસ મથક(Chikhli Police Station)માં બનેલી કરુણ ઘટના અંગે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જેને લઇને ડાંગ, વઘઈ અને આહવા જેવા વિસ્તારમાં લોકોએ વિરોધ કરતા ડાંગ બંધ પણ રાખ્યું હતું અને આ સમગ્ર બાબતે આદિવાસી સમાજને શંકા છે કે, પોલીસ દ્વારા આ બન્ને યુવાનોને શંકાના આધારે ઊંચકી લઈ જઇ તેને ટોર્ચર કરવામાં આવ્યા હતા તેમજ માર મારી ભૂખ્યા રાખી માનવ અધિકાર ભંગ કરવામાં આવ્યો હોવાનું આદિવાસી સમાજમાં શંકાએ જોર પકડ્યું છે, ત્યારે નવસારી તેમજ ચીખલી સહિતના વિસ્તારોમાં અનેક આદિવાસી સમાજના સંગઠનો દ્વારા મૃતક પરિવારોને ન્યાય મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છે.
પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI સહિતને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)કપરાડાના રાજેશભાઈ રાઉતના જણાવ્યા અનુસાર, આદિવાસી સમાજમાં આ સમગ્ર પ્રકરણે ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જેના કારણે આદિવાસી સમાજમાં પોલીસ પ્રત્યેનો રોષ ભભૂકી રહ્યો છે. જો કે, હાલમાં અનેક સ્થળો પરથી લોકો અને સંગઠનો દ્વારા આવેદનપત્ર આપતા હાલ પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI સહિતને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો- Custodial Death Case: આદિવાસી યુવકોને ન્યાય મળે તે માટે ડાંગ બંધ
મૃતકના પરિવારોને ન્યાય મળે તે માટે માગ કરવામાં આવી
મૃતકના પરિવારોને યોગ્ય ન્યાય મળે અને ફરીથી આદિવાસી સમાજના યુવાનો સાથે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એવા હેતુસર આજે આમ આદમી પાર્ટી કપરાડા દ્વારા મહામહિમ રાજ્યપાલને ઉદ્દેશીને મામલતદારને આવેદનપત્ર આપી મૃતકના પરિવારોને ન્યાય અને વળતર મળે તે માટેની માગ કરવામાં આવી છે. આમ કપરાડા તાલુકામાંથી પણ આદિવાસી સમાજની પડખે રહેતા આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)દ્વારા ચીખલી પોલીસ મથકમાં બનેલી ઘટના અંગે પરિવારજનોની પડખે રહી પરિવારને ન્યાય મળે તે માટેની માગ કરી છે.