- છેલ્લા અઠવાડિયાથી દીપડાની હેરાફેરીથી ગ્રામજનોમાં હતો ભય
- પાછોતરા વરસાદને કારણે ખોરાકની શોધમાં દીપડાઓ આવી રહ્યા છે રહેણાક વિસ્તારમાં
- વનવિભાગે દીપડાનો કબ્જો લઇ જંગલમાં છોડવાની કરી તજવીજ
- રહેણાંક વિસ્તારમાં આવતા દીપડાઓ CCTV અથવા મોબાઇલ કેમેરામાં થયા કેદ
નવસારી: જિલ્લામાંથી પાંચ મોટી નદીઓ વહે છે. જેની સાથે જ જિલ્લાના મુખ્ય પાકોમાં ડાંગર અને શેરડીની ખેતી થાય છે. જેથી નદીની કોતરો અને ખેતરો દીપડાના ઘર બની રહે છે. ખેતરો અને કોતરોની આસપાસ સસલા, ભૂંડ સહિતના અન્ય જાનવરો દીપડાનો ખોરાક બનતા હોય છે પરંતુ પાછોતરા વરસાદને કારણે દીપડાઓની ખોરાક મેળવવા માટે કસરત વધી જાય છે અને જ્યારે ખોરાક ન મળે ત્યારે દીપડાઓ રહેણાંક વિસ્તારમાં ખોરાકની શોધમાં પહોંચી જતા હોય છે. હાલમાં વરસાદી માહોલને કારણે નવસારીના વાંસદા, ચીખલી, ગણદેવી અને નવસારી તાલુકામાં દીપડાઓની આવન-જાવન કેમેરામાં કેદ થઇ છે. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગ્રામ્યજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
દીપડો શિકારને દબોચવાની લાલચમાં પાંજરે પૂરાયો
ગત અઠવાડિયાથી ચીખલી તાલુકાના સરૈયા ગામમાં દીપડાની આવન-જાવન લોકોએ અનુભવી હતી. ખેતરોમાં દીપડાના પગલા જોઈને ખેત મજુરો અને ખેડૂતોમાં ભયનો માહોલ હતો. જેથી ચીખલી વનવિભાગને જાણ કરતાં વનવિભાગ દ્વારા મોડે-મોડે સરૈયા ગામના શબનમ દિવાનના વાડામાં મારણ સાથે પાંજરૂ મુકવામાં આવ્યું હતુ. જેમાં એક અઢી વર્ષનો કદાવર દીપડો શિકારને દબોચવાની લાલચમાં પાંજરે પૂરાયો હતો. દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ વનવિભાગને થતા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી દીપડાનો કબજો લઇ તેને જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો: રોસવાડાના લોકોએ લીધો રાહતનો શ્વાસ, આટાંફેરા કરતો દીપડો પૂરાયો પાંજરે, જૂઓ વીડિયો
ક્લાઈમેટ ચેન્જને કારણે થોડા વર્ષોમાં દીપડાનો વ્યવહાર બદલાયો
જિલ્લાના ગણદેવી તેમજ નવસારીના પૂર્વ પટ્ટીના ગામો, ચીખલી તેમજ વાંસદા તાલુકામાં કોતરો કે એક ખેતરમાંથી બીજા ખેતરમાં ફરતા દીપડા દેખાઈ જતા હોય છે. ખોરાકની શોધમાં ઘણીવાર દીપડા રહેણાંક વિસ્તારમાં આવી જાય છે અને પાલતુ શ્વાન, વાછરડા, મરઘા વગેરેને પોતાનો કોળિયો બનાવતા હોય છે. રાત્રી દરમિયાન દીપડાના હુમલા બાદ શ્વાન કે વાછરડાના મરણની ખબર પડતાં ગ્રામજનોમાં ભય જોવા મળે છે. છેલ્લા થોડા વર્ષોમાં ખેતરમાં ફરતા દીપડાઓની ગતિ વિધિ ગામડાના લોકો મોબાઇલમાં કંડારતા થયા છે. જેને જોતા ગત વર્ષોમાં દીપડાના રહેણાંક વ્યવહારમાં બદલાવ આવ્યો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. જેનું કારણ ક્લાઈમેટ ચેન્જ પણ કહી શકાય, કારણ થોડા વર્ષોમાં વરસાદની પેટર્ન બદલાઇ છે. જેથી સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી વરસાદી માહોલ રહેતા દીપડાને ખોરાક મળવો મુશ્કેલ બને છે અને જેને કારણે તેઓ રહેણાંક વિસ્તાર તરફ આગળ વધતા થયા છે.
આ પણ વાંચો: વાંસકુઇ ગામે કૂવામાં પડેલા દીપડાને વન વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો
દીપડાના પાંજરે પુરાવા સિવાય RFO પાસે માહિતી નહીં
ચીખલી રેન્જ ફોરેસ્ટર હિતેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સરૈયા ગામે દીપડો દેખાવાની ફરિયાદ બાદ પાંજરૂ મૂક્યું હતુ. જેમાં અઢી વર્ષનો દીપડો પકડાયો છે. તેઓ આ વિસ્તાર માટે નવા છે, જેથી દીપડા વિશે વધુ માહિતી આપી શકે એમ નથી. ઉલ્લેખનીય છે કે, RFO વાઘેલાની ટ્રાન્સફરને અંદાજે વીસ દિવસ થયા છે, તેમ છતાં તેમને ચીખલી રેન્જમાં દીપડાની ગતિવિધિ વિશેની કોઈ માહિતી ન હોવાનો રાગ આલાપ્યો હતો.
- સુરત જિલ્લાના ગ્રામીણ ઇલાકાઓમાં રાની પશુઓના આટાંફેરા વારંવાર જોવા મળતાં હોય છે. માંડવી તાલુકાના રોસવાડા ગામની આસપાસ થોડા દિવસથી દીપડો આંટાફેરા કરી રહ્યો હોવાથી ગામલોકોમાં ડરનો માહોલ હતો. ત્યારે તારીખ 25 સપ્ટેમ્બરે દીપડો પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.