- જોખમી સ્ટંટના વીડિયો સોશિયલ સાઈટ પર વાયરલ થતા પોલીસ અધિક્ષક એક્શનમાં
- બીલીમોરા પોલીસના વાન ચાલક સહિત ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા
- બીલીમોરાના યુવાનોએ સોમનાથ મંદિર પરિસરમાં કર્યો હતો સ્ટંટ
- પોલીસ કર્મીઓએ સોમનાથ મંદિર પરિસરમાં વાનને લોક કર્યા વિના મૂકી હતી
નવસારી: પોલીસ કર્મીઓ શિસ્તતાનો પર્યાય હોય છે. પોલીસ વિભાગ શિસ્તતા પાલન પર વધુ ભાર આપે છે પરંતુ સોશિયલ મીડિયાના વધતા ક્રેઝ સામે પોલીસ કર્મીઓ પણ શિસ્ત ભુલી વીડિયો બનાવી સોશિયલ સાઇટ્સ પર પોસ્ટ કરતા થયા છે. બીલીમોરામાં પણ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં પોલીસ વાનનો બીલીમોરાના ગૌરાંગ પટેલ અને તેમના મિત્રો દ્વારા ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી, સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. સોમવારે મંદિર પરિસરમાં પોલીસ વાન ખુલ્લી જણાતા ગૌરાંગ પટેલ, વાનમાંથી ફિલ્મી સ્ટાઇલમાં ઉતર્યો હતો અને ફિલ્મી ગીત ઉપર જોખમી સ્ટંટ કર્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જિલ્લામાં પોલીસની શિસ્તતા ચર્ચામાં આવી હતી. જેની જિલ્લા પોલીસ અધિક્ષકે ગંભીરતાથી નોંધ લઈ, તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. જેમાં બીલીમોરાના ગૌરાંગ પટેલે પોલીસ વાનનો ગેરકાયદેસર ઉપયોગ કરી સ્ટંટ વીડિયો બનાવ્યો હોવાનું સામે આવતા ગૌરાંગ સહિત તેના બે મિત્રોની ધરપકડ કરવામાં આવી છે.
શિસ્તતા ચુકતા પોલીસ કર્મીઓને તત્કાલ અસરથી કરાયા સસ્પેન્ડ
બીજી તરફ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં પોલીસ PCR વાન બેજબવાબદારી પૂર્વક ખુલ્લી મુકીને જનારા વાનના ચાલક ધર્મેન્દ્ર પાટીલ, PCR ઇન્ચાર્જ હિરેન પટેલ અને PC પવન ભોયાને શિસ્તતાનું પાલન ન કરી, ફરજમાં બેદરકારી દર્શાવવા બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ફિલ્મી સ્ટાઈલમાં સ્ટંટ તેમજ બેદરકારી બની સજાનું કારણ
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયાનો વધતો ક્રેઝ અને તેમાં પણ ફિલ્મી સ્ટાઇલમાં ભાઈગીરી દર્શાવી સ્ટંટ કરવાના ચક્કરમાં બીલીમોરાના ત્રણ યુવાનોએ જેલની હવા ખાવા પડી છે. સાથે જ પોલીસ કર્મીઓએ પણ બેદરકારી બદલ સજાનો ભોગ બનવુ પડ્યુ છે.